એક નગરના નગરશેઠ પાસે અપાર સંપત્તિ હતી. બહુ મોટી હવેલી, નોકર, ચાકરોની સેના, ભરપૂર પરિવાર હતો. બધાં જ પ્રકારનાં સુખ સાધનો હતાં પણ એક મોટું દુઃખ હતું. શેઠને રાતના ઊંઘ આવતી ન હતી. ક્યારેક થોડી વાર આંખ બંધ થઈ જાય તો ભયંકર સપનાંઓ આવતાં અને શેઠ બેચેન થઈ જતા. તેમણે ઘણા વૈદ્ય પાસે ઈલાજ કરાવ્યો, ઘણા હકીમોને બતાવ્યું પણ આ અનિદ્રાનો રોગ ઘટવાની જગ્યાએ વધતો જતો હતો. શેઠને ઊંઘ આવતી જ ન હતી અને ઊંઘ આવે તો ભયંકર સપનાંઓ આવતાં હતાં.
એક દિવસ એક સાધુ તે નગરમાં આવ્યા. સાધુ બહુ જ સિદ્ધ હતા અને લોકોનાં દુઃખ દૂર કરતા હતા તેવી લોકવાયકા હતી એટલે નગરશેઠે વિચાર્યું કે હું સાધુ પાસે જાઉં અને મારા દુઃખનો કંઈક ઈલાજ તેમની પાસેથી મળી જાય. શેઠ સાધુ પાસે ગયા. તેમનાં ચરણોમાં નમન કરી બોલ્યા, ‘ મહારાજ મારી આંખોની ઊંઘ ગાયબ છે. દિવસો, મહિનાઓથી નહિ, વર્ષોથી મને ઊંઘ નથી આવતી. હું શું કરું? મારું આ દર્દ દૂર કરો.કોઈ ઈલાજ મને જણાવો. સાધુએ તરત કહ્યું, ‘શેઠજી, તમારા રોગનું એક જ કારણ છે કે તમે અપંગ છો.’ આવો જવાબ સાંભળીને શેઠને નવાઈ લાગી. તેમણે સાધુની સામે જોયું અને કહ્યું, ‘તમે મને અપંગ કેમ કહો છો? મારા હાથ પગ શરીર આખું બધું સલામત છે.’ સાધુ હસવા લાગ્યા અને બોલ્યા, ‘અપંગ એ નથી હોતો કે જેના હાથ પગ બધું સલામત નથી હોતું.
અપંગ ખરેખર તો એ હોય છે કે જે પોતાના હાથ પગ હોવા છતાં પણ તેનો ઉપયોગ નથી કરતા. તમે જ કહો, તમે તમારા શરીર પાસેથી કેટલું કામ લો છો? શું તમે દિવસમાં કોઈ કામ કરો છો?’ શેઠ પાસે કોઈ જવાબ ન હતો કારણ કે તે તો પોતાના નાના મોટા દરેક કામ માટે નોકર પર જ નિર્ભર હતા અને નોકરને જ હુકમ ચલાવતા અને બધું કામ તેની પાસે જ કરાવતા. સાધુએ કહ્યું, ‘ જો તમારે આ અનિદ્રાના રોગથી બચવું હોય, તે રોગને દૂર કરવો હોય તો શરીરથી… હાથ… પગથી એટલી મહેનત કરો કે ભરપૂર થાક લાગે. એમ થાકી જશો તો ઊંઘ આવશે જ અને તમારી ઊંઘ ન આવવાની,અનિદ્રાની બિમારી થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.શેઠે સાધુની સલાહ પ્રમાણે કામ કરવાનું શરૂ કર્યું. એક દિવસ કામ કર્યું ને બીજે દિવસ કામ કર્યું. બે દિવસમાં તો રાતમાં એટલી સરસ ઊંઘ આવી કે શેઠ ખુશ ખુશ થઈ ગયા. પોતાનું કામ જાતે કરવું તે પોતાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.