સુરત: દેશમાં મુંબઈ પછીના બીજા ક્રમે સુરતમાં ઉજવવામાં આવતા ગણેશોત્સવ માટે તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. સુરતમાં દર વર્ષે સાર્વજનિક ગણેશોત્સવની સાથે સાથે ઘરમાં જ ગણેશજીની સ્થાપના કરવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. આગામી બુધવારથી સુરતમાં ગણેશોત્સવ શરૂ થઈ જશે.
આ વર્ષે સુરતમાં આશરે 80 હજારથી પણ વધુ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરભરમાં 21 જેટલા કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. કુત્રિમ તળાવોમાં માત્ર 5 ફુટ સુધીની પ્રતિમાનું જ વિસર્જન કરી શકાશે. જ્યારે બાકીની પ્રતિમાઓનું વિસર્જન મગદલ્લા, ડુમસ તેમજ હજીરાના દરિયામાં કરવાનું રહેશે. બુધવારથી આખું સુરત ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદ સાથે ભક્તિમાં ડૂબી જશે.
ગણેશોત્સવ નજીક આવતાં સુરતીઓમાં ‘બાપ્પા’ના આગમન માટે ઉત્સાહ હિલોળે ચઢે છે. સુરતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ગણેશ ચતુર્થી પહેલા જ આગમનનો જશ્ન ઉજવવાનો ટ્રેન્ડ વધ્યો છે. અગાઉ ગણેશ વિસર્જન સમયે ભારે ધામધૂમ જોવા મળતી હતી, પરંતુ હવે આગમનનો ઉત્સવ વિશાળ રૂપ ધારણ કરી રહ્યો છે. આ વખતે સુરતમાં ગણેશોત્સવ માટે ભક્તોમાં વિશેષ ઉમંગ જોવા મળી રહ્યો છે. આમ તો 9 ફુટથી વધુ મોટી હોય તેવી ગણેશજીની પ્રતિમા પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ ભક્તો દ્વારા આ પ્રતિબંધને બાજુ પર મુકીને સુરતમાં 25 ફૂટથી પણ મોટી ભવ્ય પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. સુરતમાં આ વખતે જે રીતે ગણેશોત્સવનો જે ઉત્સાહ જોવા મળ્યો છે તેને જોતાં આ વર્ષે સુરતમાં ગણેશોત્સવમાં 200 કરોડથી પણ વધુ ખર્ચ થવાની સંભાવના જણાવાઈ રહી છે.
વિસર્જન વખતે ડીજે પર પ્રતિબંધ હોવાથી આગમનયાત્રામાં જ ડીજે વગાડી લીધા
બુધવારે જેની સ્થાપના કરવામાં આવશે તેવી મોટી પ્રતિમાઓ પણ ભવ્ય આગમનયાત્રામાં સુરતમાં જોવા મળી હતી. ભૂતકાળમાં વિસર્જન વખતે વિશાળ યાત્રાઓ નીકળતી હતી પરંતુ વિસર્જનમાં ડીજે વગાડવા પર તંત્રએ પ્રતિબંધ મુકી દીધો હોવાથી ભક્તો દ્વારા હવે આગમનયાત્રામાં જ ડીજેનો ઉપયોગ કરી લેવામાં આવે છે. આ વખતે સુરતમાં ગણેશ આગમનયાત્રાઓ જ લાખો રૂપિયાના ખર્ચે ભવ્ય બનાવવામાં આવી હતી. ગણેશ આગમનયાત્રામાં જ ભક્તો ડ્રેસકોડની સાથે જોડાયા હતા. આગામી બુધવારથી સતત દસ દિવસ સુધી આખું શહેર ગણેશમય બની જશે. દસ દિવસ સુધી ભક્તો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવ્યા બાદ આગામી તા.6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે. સુરતમાં આ વખતે મોટાભાગે ઓપરેશન સિંદૂરની થીમ પર અનેક ગણેશોત્સવમાં આયોજનો કરવામાં આવ્યા છે. સાથે સાથે પરંપરાગત રીતે થતાં ગણેશોત્સવના આયોજનો પણ કરવામાં આવ્યા છે.
ગૌરી ગણેશને કારણે મનપાએ બનાવેલા 21 કુત્રિમ તળાવો પૈકી 12 સ્થાપનાના દિવસથી જ કાર્યરત થઈ જશે
સુરતમાં સાર્વજનિક ગણેશોત્સવની સાથે ગૌરી ગણેશની સ્થાપના પણ હજારો ઘરોમાં કરવામાં આવે છે. ઘરગથ્થું દોઢ દિવસથી શરૂ કરીને પાંચ અને દસ દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરવામાં આવે અને બાદમાં તેનું વિસર્જન કરાય છે. લોકો દોઢ દિવસના ગણેશજીનું વિસર્જન કરવા માંગતા હોવાથી મનપા દ્વારા 21 કુત્રિમ તળાવો પૈકી 12 તળાવો સ્થાપનાના દિવસથી જ કાર્યરત કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બુધવારે ગણેશ સ્થાપના માટેના મુહૂર્ત
સવારે: 6-22થી 9-31 અને 11-05થી 12-40 કલાક
બપોરે: 15-50થી 18-58 કલાક
સ્થાપનાના દસ દિવસ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાશે
સુરતમાં ગણેશોત્સવમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ દ્વારા પણ કમર કસી લેવામાં આવી છે. ગણેશોત્સવના દસ દિવસ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે સાથે સ્થાનિક પોલીસ દ્વારા પણ સતત પોતાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવા માટે પો.કમિ. અનુપમસિંહ ગેહલોત દ્વારા આદેશો આપી દેવામાં આવ્યા છે.
કઈ કઈ થીમ પર ગણેશોત્સવના આયોજનો ??
ઓપરેશન સિંદૂર
કેન્ડી પાર્ક
હોરર થીમ
ત્ર્યંબકેશ્વર મહાદેવ
પ્રયાગરાજ-કુંભ મેળો
જંગલ થીમ
એક ભારત-શ્રેષ્ઠ ભારત
આદિ યોગી થીમ
રામેશ્વર થીમ
બાળકો માટેની આઈ સ્કીમ થીમ
વોટરફોલ થીમ
ગજમહેલ થીમ
સાયબર સિક્યુરિટી થીમ
કયા કયા વિસ્તારોમાં ભવ્ય ગણેશોત્સવના આયોજનો કરાયા ?
પાલ,અડાજણ,મોટા વરાછા
વેસુ-ભટાર
મહિધરપુરા-ડબગરવાડ