સુરત : સુરતથી ભાગલપુર જઇ રહેલી ટ્રેનમાં રવિવારે એક અનોખી ઘટના બની હતી. ટ્રેનના સ્લીપર કોચમાં સફર કરી રહેલી 21 વર્ષની ગર્ભવતિ મહિલાએ ચાલુ ટ્રેનમાં એક બાળકને જન્મ આપ્યો હતો. આ ક્ષણ ફક્ત માનવ સંવેદનાથી ભરપુર નહોતી પરંતુ સંકટ સમયમાં અજાણ્યા મુસાફરો પણ કેવી રીતે પોતાના કરતાં પણ વધુ નજીકના બની જાય છે તેની પણ સાક્ષી બની હતી.
આ ટ્રેનમાં રાજકુમારી તેના પતિ રાજેશકુમાર સાથે સફર કરી રહી હતી. ટ્રેન મેહર અને સતનાની વચ્ચે પહોંચી ત્યારે રાજકુમારીને પ્રસવપીડા શરુ થઇ હતી. સ્થિતિ ગંભીર જણાતા સ્લીપર કોચમાં હાજર મહિલા મુસાફરોએ સતર્કતા બતાવી હતી અને ચાદરોના પડદા બનાવનીને અસ્થાયી લેબરરૂમ તૈયાર કરી દીધો હતો અને પરિણીતાની સફળ ડિલિવરી કરાવી હતી. તેણે ચાલુ ટ્રેનમાં જ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ટ્રેનના આ ડબ્બો બાળકની કિકિયારીથી ગુંજી ઉઠ્યો હતો.