નવી દિલ્હી, તા. 25: નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કાઉન્સિલ 22 સપ્ટેમ્બર સુધીમાં નવા GST ટેક્સ સ્લેબ લાગુ કરે તેવી અપેક્ષા છે, સરકારી સૂત્રોએ જણાવ્યું છે. નવા GST દરોનો અમલ નવરાત્રી ઉજવણીના ટાણે થવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ આગામી પેઢીના GST સુધારા લાવવાની જાહેરાત કરી હતી જે સમગ્ર દેશમાં કરનો બોજ ઘટાડશે. સરકાર આગામી પેઢીના GST સુધારા લાવશે, જે સામાન્ય માણસ પર કરનો બોજ ઘટાડશે. તે તમારા માટે દિવાળીની ભેટ હશે એમ તેમણે 79મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કરતી વખતે કહ્યું હતું. કેન્દ્ર ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓનો સમાવેશ કરતી GST કાઉન્સિલ 3-4 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં કેન્દ્ર દ્વારા સૂચવવામાં આવેલા 5% અને 18% ના સૂચિત સરળ બે-સ્તરીય GST ટેક્સ સ્લેબ પર ચર્ચા કરવા માટે મળશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે GST કાઉન્સિલના નિર્ણયના લગભગ પાંચથી સાત દિવસ પછી સૂચનાઓ લાગુ થવાનું શરૂ થશે. કેન્દ્ર દ્વારા મંત્રીઓના જૂથ (GoM) ને પ્રસ્તાવિત કરવામાં સુધારામાં જણાવાયું હતું કે , GST 5 અને 18 ટકાના બે-દરનું માળખું હોવું જોઈએ, જેમાં માલ અને સેવાઓને ‘મેરિટ’ અને ‘સ્ટાન્ડર્ડ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. અલ્ટ્રા-લક્ઝરી કાર અને હાનિકારક વસ્તુઓ જેવી પસંદગીની કેટલીક વસ્તુઓ પર 40 ટકાનો ખાસ દર વસૂલવામાં આવશે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માળખામાં ફેરફારના કારણે 40,000 કરોડ રૂપિયાની આવકમાં ઘટાડો થવાની શક્યતા છે.
ફિટમેન્ટ કમિટી – GST સચિવાલયના અધિકારીઓની પેનલે અપેક્ષિત ખાધની ડ્રાફ્ટ વિગતો તૈયાર કરી છે, જે ખાધને કેન્દ્ર અને રાજ્યો બંનેએ શોષી લેવાની રહેશે. વધુમાં કેન્દ્રને ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ્સમાંથી GST અને TDS કલેક્શનમાં લગભગ 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે કારણ કે દેશભરમાં હવે આ પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂકાઇ રહ્યો છે.