બૈજિંગ, તા. 25 (PTI): ભારતે કરેલ ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS), ખાસ કરીને હાઇ-પાવર લેસર આધારિત ડિરેકટેડ એનર્જી વેપન(DEW)ના પરીક્ષણને એક ચીની લશ્કરી નિષ્ણાત તરફથી પ્રશંસા પ્રાપ્ત થઇ છે, જેમણે કહ્યું છે કે તેને એક નોંધપાત્ર આગેકૂચ તરીકે ગણવું જોઇએ.
IADWS એક બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જેમાં સ્વદેશી ઝડપી પ્રતિક્રિયા સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો (QRSAM), ખૂબ જ ટૂંકા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલી (VSHORADS) મિસાઇલો અને ઉચ્ચ-શક્તિવાળા લેસર-આધારિત નિર્દેશિત-ઊર્જા શસ્ત્રો (DEW) સિસ્ટમનો સમાવેશ થાય છે. શનિવારે ઓડિશાના દરિયાકાંઠે આ સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલીનું ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
IADWS, ખાસ કરીને DEW, જે અમેરિકા, રશિયા, ચીન, યુકે, જર્મની અને ઇઝરાયલ જેવા થોડાક જ દેશો પાસે છે, તેણે ચીની નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય IADWS એક હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જે મર્યાદિત સ્ટ્રાઇક રેન્જ સાથે ડ્રોન, ક્રુઝ મિસાઇલો, હેલિકોપ્ટર અને ઓછી ઊંચાઈવાળા વિમાન જેવા નીચા અને મધ્યમ ઊંચાઈવાળા લક્ષ્યોનો સામનો કરવા માટે રચાયેલ છે, એમ બેઇજિંગ સ્થિત એરોસ્પેસ નોલેજ મેગેઝિનના મુખ્ય સંપાદક વાંગ યા’નાને ચીનના સરકાર સંચાલિત ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું.
IADWS ના ત્રણ સ્તરોમાં, વાહન-આધારિત હવાઈ સંરક્ષણ મિસાઈલ QRSAM અને મેન-પોર્ટેબલ હવાઈ સંરક્ષણ પ્રણાલી VSHORADS તકનીકી રીતે નવીન નથી, પરંતુ લેસર સિસ્ટમ ખરેખર એક મહત્વપૂર્ણ પ્રગતિ ગણવી જોઈએ એમ વાંગે કહ્યું હતું. ચીની નિષ્ણાતની ટિપ્પણીઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે પીપલ્સ લિબરેશન આર્મી, જે તેના ઉપયોગ માટે આધુનિક શસ્ત્રોમાં ભારે રોકાણ કરી રહી છે, તે પાકિસ્તાનને પણ નોંધપાત્ર પ્રમાણમાં શસ્ત્રો પૂરા પાડે છે.