ગાંધીનગર, તા. 25: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર કહ્યું હતું કે તેઓ ખેડૂતો, પશુપાલકો, નાના ઉદ્યોગોના હિત સાથે સમાધાન કરશે નહીં અને અમેરિકાના ગર્ભિત સંદર્ભમાં કહ્યું હતું કે આપણા પર દબાણ વધી શકે છે, પરંતુ અમે તે સહન કરીશું. ભારતીય માલ પર 50 ટકા અમેરિકી ટેરિફ લાગુ થવાના બે દિવસ પહેલા આવી ટિપ્પણીઓ તેમણે આજે અહીં કરી હતી.
નામ લીધા વિના, મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દુનિયામાં રાજકારણ હવે મોટાભાગે આર્થિક હિતોની આસપાસ ફરે છે જ્યાં દરેક વ્યક્તિ ફક્ત પોતાના વિશે જ ચિંતિત છે. તેમણે મહાત્મા ગાંધીના નામનો ઉલ્લેખ કરવાની સાથે સ્વદેશની હાકલ કરી હતી. આવી સ્થિતિમાં, હું નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો અને પશુપાલકોને કહેવા માંગુ છું કે મોદી માટે, તમારા હિત સર્વોપરી છે. મારી સરકાર તમારા હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. ગમે તેટલું દબાણ આવે, અમે તે સહન કરીશું. પરંતુ, તમારા હિતોને ક્યારેય નુકસાન થશે નહીં એમ વડાપ્રધાનએ ખાતરી આપી. અત્રે ઉલ્લેખનીય છે કે 27 ઓગસ્ટ એ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતમાંથી તેના મુખ્ય નિકાસ બજારમાં માલ પર 50 ટકા અમેરિકન ટેરિફ લાદવાની આખરી મહેતલની તારીખ છે.
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા મોદી, અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં બે કિમી લાંબા રોડ શો અને બાદમાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યા બાદ એક વિશાળ સભાને સંબોધિત કરી રહ્યા હતા. અમદાવાદમાં આજે સાંજે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ અમદાવાદમાં હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સભાના સ્થળ સુધી 1.6 કિમીનો રોડ શો કર્યો હતો. જેમાં રોડની ચારે બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. સભા અને રોડ શો દરમ્યાન મોદી – મોદીના નારા લાગ્યા હતા. વડાપ્રધાન મોદીએ આજે રૂ. 5,477 કરોડના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં કેન્દ્રિય રેલ મંત્રાલય હેઠળના 1404 કરોડના પ્રોજેકટ , શહેરી વિકાસ અને મહેસુલ વિભાગના 2644 કરોડના પ્રોજેકટ અને ઊર્જા -પેટ્રોકેમિકલ્સ વિભાગના 1122 કરોડના પ્રોજેકટનો સમાવેશ થાય છે.
મોદીએ સભામાં ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો કે કહયું હતું કે આજે આતંકવાદીઓ અને તેના આકાઓને અમે છોડતા નથી. દુનિયાએ જોયું કે પહેલગામનો બદલો કેવી રીતે લીધો, 22 મિનિટમાં બધું સફાચટ કરી નાંખ્યું. સેંકડો કિલોમીટર અંદર જઈને નક્કી કરેલા નિશાન પર વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર આપણી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છાશક્તિનું પ્રતીક બન્યું છે. ચરખા ધારી મોહન આપણા પૂજ્ય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યો હતો. આ આશ્રમ તેનો સાક્ષી છે. જે પાર્ટીએ તેમના નામનો લાભ લઈને સત્તા સુખ ભોગવ્યું તેણે બાપુના આત્માને કચડી નાખ્યો એક કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું.
ઇલેક્ટ્રિક વ્હિકલ મેન્યુફેક્ચરિંગમાં પણ ગુજરાત મોટું હબ બની રહ્યું છે તેવું વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું. સેમી કન્ડક્ટર સેક્ટરમાં પણ ગુજરાત પોતાનું મોટું નામ કરવા જઈ રહ્યું છે તેવું પણ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. ફાર્મા સેક્ટરમાં પણ ગુજરાત સૌથી આગળ છે.ગુજરાત પહેલેથી જ ટેક્સટાઇલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે આગેવાન છે, હવે ટેકનોલોજી ક્ષેત્રે પણ રાજ્યને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવાશે.હું કાલે હંસલપુર જઇ રહ્યો છું ત્યા ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ યુનિટને લઇને શરૂઆત થઇ રહી છે. આજે જેટલા પણ આધુનિક ઉપકરણ બની રહ્યા છે તે સેમિ કંડક્ટર વગર નથી બની શકતા. ગુજરાત હવે સેમિ કંડક્ટરમાં પણ મોટું નામ કરવા જઇ રહ્યું છે. ટેક્સટાઇલ, જ્વેલરી હવે ગુજરાતની ઓળખ બની ગઇ છે. દવા,વેક્સિન અને ફાર્મા ઉત્પાદનમાં પણ દેશનું એક તૃતિયાંશ એક્સપોર્ટ ગુજરાતમાંથી થાય છે એમ મોદીએ કહ્યું હતું.
સુદર્શનધારી મોહન અને ચરખાધારી મોહને આપણને માર્ગ દેખાડ્યો છે: મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ગુજરાત બે મોહનની ભૂમિ છે. સુદર્શન ચક્ર ધારી મોહન(શ્રીકૃષ્ણ) દ્વારકામાં છે જેમણે આપણને અત્યાચારો સામે લડવાનું શીખવ્યું છે જ્યારે ચરખાધારી મોહન(ગાંધીજી) પોરબંદરના છે જેમણે આપણને સ્વદેશી વસ્તુઓ જ વાપરવાનું શીખવ્યું છે.
‘અમે સ્વદેશી માલ વેચીએ છીએ’ એવું બોર્ડ દુકાન પર લગાવવા હાકલ
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા આકરા ટેરિફ પછી વડાપ્રધાન મોદીએ સ્વદેશીની હાકલ શરૂ કરી છે તેના ભાગરૂપે આજે અમદાવાદમાં સભાને સંબોધન કરતા મોદીએ વેપારીઓને કહ્યું હતું કે તેઓ પોતાની દુકાનની બહાર મોટું પાટિયું મારે કે ‘અમે સ્વદેશી માલ વેચીએ છીએ’. આગામી તહેવારોની ઋતુ સંદર્ભમાં તેમની હાકલ ખાસ મહત્વની છે.
અમદાવાદમાં પીએમના રોડ શોમાં ‘ઓપરેશન સિંદુર’, ‘સ્વદેશી અપનાવીશું’ ના બેનરો છવાયા
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. આજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નિકોલના હરીદર્શન ચાર રસ્તાથી સભા સ્થળ સુધીના 1.5 કિ.મી. સુધીના રસ્તા પર ભવ્ય રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનને આવકારવા અને તેમની એક ઝલક જોવા માટે હજારો લોકોની ભીડ જામી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શોમાં હાથમાં તિરંગા ઝંડા, સ્વદેશી આપનાવાશું પોસ્ટરો લઇ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. દોઢ કિલોમીટર સુધીના રોડ શોમાં રસ્તા બંને સાઇડ ઉપર મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ. કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી હતી. રોડ શોની બંને સાઈડએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ આઉટ તેમજ ઓપરેશન સિંદૂરના ફોટોગ્રાફ લગાવવામાં આવ્યા હતા. એક મહિલા વડાપ્રધાનનું સ્કેચ બનાવી તેમનું સ્વાગત કરવા ઊભી હતી. સતત હળવું શાસ્ત્રીય સંગીત, ભજન, અને ગીત સંગીત ઉપસ્થિત જનમેદનીને પ્રોત્સાહિત કરતું હતું.
વડાપ્રધાનની એક ઝલક મેળવવા લોકો ઊંચી બિલ્ડિંગો, પોતાના મકાનના ધાબા ઉપર ચડી ગયા હતા. હજારો લોકોની ભીડ વચ્ચે વડાપ્રધાન પોતાની કારમાંથી બહાર નીકળી સતત લોકોનું અભિવાદન જીલ્યું હતું. રોડ શો પુરો થયા બાદ વડાપ્રધાનએ ખોડલધામ મેદાન ખાતે સભાને સંબોધન કર્યું હતું.