Columns

અનુભવી વૃદ્ધ

એક યુવકને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો. યુવતીનાં ઘરવાળાં લગ્ન માટે માનતાં ન હતાં. બહુ મુશ્કેલીથી તેના પિતા તૈયાર થયા પણ તેના પિતાએ વિચાર્યું કે કંઈક એવી યુક્તિ કરું કે આ લગ્ન ટળી જાય અને યુવક પોતે જ વરઘોડો લઈને આવે જ નહીં એટલે તેણે વિચિત્ર શરત મૂકી. યુવતીના પિતાએ કહ્યું, ‘લગ્નમાં તમારી સાથે જાનમાં કોઈ વૃદ્ધ માણસ આવવો જોઈએ નહીં. બધાં યુવાન લોકો જ આવવાં જોઈએ.’ યુવકે લગ્ન કરવાની ઉતાવળમાં શરત કંઈ જ વિચાર્યા વિના માની લીધી અને વિચાર્યું કે લગ્નમાં વૃદ્ધ વડીલોનું શું કામ છે? ઘરે જઈને તેમના આશીર્વાદ લઇ લેશું.

 લગ્નના દિવસે યુવકના નાના જીદ પર અડી ગયા, ‘ હું તો જોડે આવીશ જ.’ છેવટે યુવકે કહ્યું, ‘તમે માથાના વાળ કાળા કરી લો. તમને છુપાવીને લઈ જઈશું અને બહુ બધાની સામે આવતાં નહીં.’ નાના તૈયાર થઈ ગયા. વરઘોડા સાથે જાન પહોંચી યુવતીના આંગણે. યુવતીના પિતાએ પોતાના સાથીદારોને કહી રાખ્યું હતું, ‘ બારાતનું સ્વાગત કરતાં કરતાં બરાબર જોઈ લેજો કે કોઈ વૃદ્ધ વડીલ તો જોડે નથી આવ્યા ને અને જો કોઈ વડીલ જોડે આવ્યા હોય ને તો તેને પકડી પાડજો અને જાનને ત્યાંથી જ પાછી મોકલી દેજો.’

 યુવતીના પિતા અને તેના સાથીદારો કોઈ વૃદ્ધ વડીલને શોધી રહ્યા હતા પણ કોઈ દેખાયું નહીં એટલે યુવતીના પિતાએ બીજી ચાલ ચાલી. તેમણે કહ્યું, ‘હવે અમારા ગામની બહાર જે તળાવ છે એને દૂધથી ભરી દો તો જ લગ્ન થશે. નહિતર લગ્ન થશે નહીં. જાન પાછી લઈ જાવ. આ શરત સાંભળીને તો બધા ડરી ગયાં. બધાં જ જાનૈયાઓને થયું કે આ કેવી શરત છે? અને આ કેવી રીતે પૂરી થશે. યુવકને પણ થયું, હવે તો મારે લગ્ન કરવા જ નથી. જાન પાછી લઈ જઈએ ત્યારે નાના બોલ્યા, ‘શું વાત છે.’

નાનાજીને શરતની ખબર પડી. તેઓ હસ્યા અને કહ્યું, ‘જાઓ, યુવતીના પિતાને કહી દો કે તમે તળાવનું પાણી પહેલાં ખાલી કરાવી દો એટલે દૂધ તૈયાર છે. અમે તળાવને દૂધથી ભરી દઈએ.’  આવો જવાબ સાંભળીને યુવતીના પિતાને થયું કે ચોક્કસ કોઈ વડીલ સાથે છે અને આ સમજદાર વડીલે જ આ રસ્તો બતાવ્યો લાગે છે. તેઓ વરરાજા પાસે ગયા અને તેને પૂછ્યું , ‘ મને કહો, તમારી સાથે કયા સમજદાર અનુભવી વડીલ છે.’ વરરાજાએ પોતાના નાનાની ઓળખાણ કરાવી અને યુવતીના પિતાએ દીકરીના થવાવાળા નાનાજીનું સ્વાગત કર્યું. તેમને પ્રણામ કર્યા અને ધામધૂમથી લગ્ન કરાવ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top