Comments

અમેરિકાનો આશય ભારતને ચીન સામે ભીડાવી દેવાનો છે એટલે એ મુદ્દે ભારતે સંપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર જાણે કે વેર વાળતો હોય એ રીતે વધારાનું ૨૫ ટકા દંડનીય ટેરીફ તરીકે ભારત પર નાખ્યું. એની દલીલ એવી છે કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે એટલે રશિયાને પોતાનું તેલ વેચવા માટે મોટું બજાર મળી જાય છે. ભારત પોતાની ક્રુડ ઑઇલની કુલ જરૂરિયાત, જે ૫૦ મિલિયન બેરલ છે તેના ૪૦ ટકા એટલે કે ૨૦ મિલિયન બેરલ રશિયા પાસેથી છેલ્લાં બે વર્ષમાં ખરીદી રહ્યું છે. ભારતને આ ક્રુડ ઑઇલ ૩૦ ટકા સસ્તું પડે છે. હવે ટ્રમ્પની નજરમાં ભારતને દંડવા માટેનું જો આ મોટું કારણ હોય તો ભારત કરતાં રશિયા પાસેથી વધારે ક્રુડ ઑઇલ તો ચીન ખરીદે છે.

ચીનના ઉપર આવું કોઈ દંડાત્મક પગલું ભરવાની વાત તો દૂર રહી પણ એની સાથે ટેરિફ અંગેની વાટાઘાટો હજુ પૂરી નથી થઈ એટલે ફરી પાછું બીજું એક એક્ષટેન્શન ચીનને આપીને ‘જૈસે થે’ની સ્થિતિ ચીન સાથે ચાલુ રાખી છે.
ટેરિફ અંગેની વાટાઘાટો તો ભારત સાથે પણ ચાલે છે. તો પછી ભારતથી આયાત થતા માલસામાન ઉપર ૨૫ ટકા ટેરિફ અને બીજા ૨૫ ટકા ભારત રશિયાથી ક્રુડ ખરીદે છે માટે દંડ. આવાં બેવડાં કાંટલાં શા માટે?

ટ્રમ્પની બીજી એક વાહિયાત દલીલ એ પણ છે કે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારમાં ભારતના પક્ષે ૫૦ અબજ ડૉલર જેટલી પુરાંત રહે છે અને આ ડૉલરનો ઉપયોગ પણ ભારત રશિયા પાસેથી ખરીદી કરવામાં કરે છે, એટલે રશિયા નમતું જોખતું નથી. ટ્રમ્પનું કહેવું છે કે ભારતની ઑઇલ લૉબી પુતિનના વૉર મશીન એટલે કે યુદ્ધતંત્રને નાણાં પૂરાં પાડે છે, જે અટકવું જોઈએ. ઉપરાંત ભારત રશિયા પાસેથી જેટલાં શસ્ત્રો ખરીદે છે, તેટલાં અમેરિકા અથવા યુરોપમાંથી નથી ખરીદતું, એ પણ અમેરિકાના પેટમાં ચૂંક આવે છે એ માટે જવાબદાર છે.

હાલની પરિસ્થિતિમાં ભારત અમેરિકા તેમજ ચીન બંને મહાસત્તાઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતું નથી. અમેરિકા સાથે ટેરિફ મુદ્દે અને ચીન સાથે સરહદ મુદ્દે ભારતના સંબંધોમાં ઉતારચઢાવ આવ્યા કરે છે. સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેપલોપમેન્ટ, કોલંબિયા યુનિવર્સિટીના પ્રો. જેફ્રી સેસ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને નીતિઓ તેમજ બહુપરિમાણીય રાજકીય વિચાસરણીના નિષ્ણાત છે.

તેમનું કહેવું છે કે ચીન કે ભારત બંનેમાંથી એકેયને કાયમી ધોરણે એકબીજા સામે શંકાથી જોવાની જરૂર નથી. બંને વચ્ચેના તણાવ માટે જવાબદાર એવો એક માત્ર સળગતો પ્રશ્ન સરહદનો છે, જેનો કળથી ઉકેલ લાવવો બંનેના હિતમાં છે. પ્રો. સેસ કહે છે કે, ભારતે રશિયા, ચીન, આફ્રિકન યુનિયન, યુરોપિયન યુનિયન, અમેરિકા, આશિયન જેવા વિસ્તારો સાથે હકારાત્મક અને મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા જોઈએ પણ ભારતે ક્યારેય અમેરિકા અથવા ચીનની ધરીમાં જોડાવું જોઈએ નહીં. ભારતે ચીન સાથે દ્વિપક્ષીય ધોરણે સંબંધો વિકસાવવા જોઈએ જેના બદલામાં ચીન અને રશિયાએ ભારતને યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ અપાવવા માટે પ્રયત્નશીલ બનવું પડે.

આ સમગ્ર પ્રકરણમાં હવે આગળ વધતું હશે તો દુનિયામાં બહુ ઝડપથી બદલાતાં જતાં રાજકીય ધોરણોને સમજવાં પડશે અને તે મુજબ પગલાં પણ લેવાં પડશે. આવનાર સમયમાં ભારતે આખો ગંજીફો ફરી ચીપવો પડશે અને એમ કરવા જતાં કોઈ બ્લોકનું લેબલ ન લાગી જાય તેની ખાસ કાળજી રાખવી જોઈશે. ચીનથી માંડી અમેરિકા, રશિયા કે પછી યુરોપિયન – રાજકારણમાં કોઈ કોઈનો મિત્ર નથી હોતો, કોઈ કોઈનો દુશ્મન નથી હોતો. વિદેશનીતિનો સાચો અર્થ જ એ થાય કે, તમારે બીજા દેશો સાથે એ પ્રકારના સંબંધો અને પોતાના દેશનું હિત કઈ રીતે સાધવું તે બાબતમાં નિપુણ બનવું પડશે. કમનસીબે વિદેશ નીતિના ક્ષેત્રે ભારત અત્યંત ખરાબ રીતે નિષ્ફળ ગયું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top