સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા દ્વારા સોમવારે બીજા તબક્કામાં કોરોના રસી (Vaccine) આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત શહેરનાં 52 હેલ્થ સેન્ટર (Health Center) તથા 24 ખાનગી હોસ્પિટલ અને સ્મીમેર તથા સિવિલ હોસ્પિટલથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મામલે સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બીજા તબક્કાના પ્રથમ ડોઝ લઈ લીધા બાદ બીજા ડોઝ માટે હોસ્પિટલો (Hospitals) અને હેલ્થ સેન્ટરો પર લાંબી કતારો ના લાગે તેના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
જે લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો હશે, તેઓએ બીજા ડોઝ માટે સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી સેન્ટરમાં વ્યવસ્થા કરવામાં આવશે. જેથી કરીને પ્રથમ ડોઝ માટે આવનાર અન્ય લોકોને મુસીબતનો સામનો ન કરવો પડે. ઉપરાંત સામાન્ય લોકો માટે વેક્સિનેશન શરૂ થતાં જ મોટા ભાગનાં સેન્ટરો પર ભીડ જામી હતી. જેમાં મોટા ભાગના લોકો રજિસ્ટ્રેશન વગર જ પહોંચી ગયા હોવાથી મનપા કમિશનરે લોકોને રજિસ્ટ્રેશન કર્યા પછી જ વેક્સિન મુકાવવા જવા અપીલ કરી છે. તેમજ જે લોકોને રજિસ્ટ્રેશન બાબતે મુશ્કેલી પડે છે તેના માટે કોવિડ હોસ્પિટલોમાં કામ કરી ચૂકેલા વોલિયેન્ટરોની મદદ લેવાની પણ વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
નવી સિવિલ હોસ્પિ.માં એકસાથે 200નું ટોળું ધસી આવતાં માથાકૂટ થઈ
સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં ગરમાટો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી લોકોને ફોન કરીને વેક્સિન મુકાવવા માટે બોલાવવામાં આવતા હતા, પરંતુ એક યા બીજા કારણોસર તેઓએ વેક્સિનેશનને ગણકારી જ ન હતી. જ્યારે સોમવારે ત્રીજો તબક્કો શરૂ થયો ત્યારે સિવિલ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ, બ્રધર્સ અને નર્સ સહિતનો સ્ટાફ પણ આવી જતા સ્થિતિ તંગ બની ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, કોરોના સામે વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં જે લોકોએ વેક્સિન લીધી હતી, તેઓને તા. 14 ફેબ્રુઆરીથી બીજો ડોઝ આપવાની શરૂઆત થઇ હતી. પરંતુ જે વ્યક્તિઓને બીજો ડોઝ લેવાનો હતો તેઓએ વેક્સિનેશન લેવામાં આળસ કરી હતી અને વેક્સિનેશન મુકાવી ન હતી. આ ઉપરાંત જે લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનો હતો તેઓને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓએ પણ વેક્સિન લીધી ન હતી. ત્યારે આજે ત્રીજા તબક્કામાં એક સાથે મોટી સંખ્યામાં લોકોએ દોટ મુકી હતી અને વેક્સિન મુકાવવા કહ્યું હતું. જે લોકોની વેક્સિન મુકાવવાની તારીખ પુરી થઇ ગઇ છે તેઓએ પણ પોતાની ઓળખ આપીને વેક્સિન મુકાવવાનું કહેતા ડોક્ટરોએ શરમમાં મુકાવું પડ્યું હતું. કેટલાક તો પોલીસ કર્મચારીઓએ પણ પોતાની ધાક બતાવીને તાત્કાલિક વેક્સિન મુકાવી હતી. આ ઉપરાંત કેટલાક એવા પણ વ્યક્તિઓ આવ્યા હતાં. જેઓએ તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન મુકાવી હતી.
સાંજે ચાર વાગ્યે વેક્સિનેશનનું સર્વર ઠપ્પ થઇ ગયું
એક સાથે મોટી સંખ્યામાં નવા રજિસ્ટ્રેશન અને જૂના લોકોને બીજો ડોઝ લેવાની વાતે સાંજે ચાર વાગ્યાના અરસામાં કોવિડ વેક્સિનેશનનું સર્વર ડાઉન થઇ ગયું હતું. 15થી 20 મિનિટ છતાં પણ સર્વર શરૂ નહીં થતા ત્યાં આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વેક્સિનેશનના સ્ટાફે પોતાના મોબાઇલમાંથી આઇડી અને પાસવર્ડ કરીને પોતાની ફરજ પુરી કરી અને કોઇ માથાકૂટ નહીં થાય તેવા પ્રયાસો કર્યા હતા.