
પ્રતિનિધિ વડોદરા તા .24
છેલ્લા અઠવાડિયામાં સારાભાઇ કેમ્પસમાં મોડી રાત્રીના સમયે ડ્રાયફ્રુટ તથા રેસ્ટોરન્ટના શટર ઉચા કરીને વકરાની મુકેલી રોકડ રકમની ચોરી કરનાર કેનેડા રિટર્ન ચોરને ગોરવા પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીના રોકડા રૂપિયા 1.97 લાખ, બાઇક અને કટર મળી રૂ.2.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ગેંડા સર્કલ પાસે સતુગુર ડ્રાયફુટ તથા સેફ્રોર નામની રેસ્ટોરન્ટમાં છેલ્લા કેટલાક દિવસ શટર તોડી તેમાંથી વકરાની મુકેલી રોકડ રકમની ચોરી થતી રહેતી હતી. જેથી સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગોરવા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી દુકાનોને નિશાન બનાવનાર શખ્સની શોધખોળ કરતી હતી.. દરમિયાન પંડ્યા બ્રિજ પાસે આવેલી જ્યોતિ કંપનીના ગેટ સામેથી બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં એક શખ્સ ઝડપાયો હતો. તેની પૂછપરછ કરતા તેણે પોતાનુ નામ ક્રિયેશકુમાર પ્રવિણભાઇ પટેલ (રહે. ખારાકુવા ફળિયુ, જલંધ ગામ તા. ખંભાત જિ. આણંદ) હોવા સાથે કેનેડા રિટર્ન હોવાનું જણાવ્યું હતું. છેલ્લા અઠવાડિયામાં સારાભાઇ કેમ્પસમાં આવેલી સતગુરુ દુકાન તથા સેફ્રોન રેસ્ટોરન્ટની દુકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કેનેડા રિટર્ન ચોર પાસેથી ચોરીની બાઇક, રોકડા રૂપિયા રૂ.1.97 લાખ તથા કટર મળી રૂ. 2.11 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.