Vadodara

નેશનલ હાઈવે 48 પર ફરી લાંબો ટ્રાફિકજામ, વાહનોની કતારો લાગી

વડોદરા કરજણ વચ્ચે જટિલ બનેલી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ :

ફોટા પડાવી વાહવાહી લૂંટવામાં મદમસ્ત શાસકો સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા તદ્દન નિષ્ફળ :

( પ્રતિનિધી )વડોદરા,તા.24

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાઓના સર્જાયેલા સામ્રાજ્યને કારણે ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની છે. તેવા સતત બીજા દિવસે ફરી એક વખત હાઈવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. જ્યારે ચોમાસાની ઋતુમાં પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાની ફરજ પડી હતી.

નેશનલ હાઇવે નંબર 48 ઉપર સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જાંબુઆ બ્રિજ વરણામાં પોર સુધી લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે, કરજણ વડોદરા વચ્ચે જટિલ બનેલી ટ્રાફિક સમસ્યાથી અને ખાસ કરીને જામ્બુવા, પોર અને બામણગામ બ્રિજ પર પડેલા ખાડાઓને લઇને કલાકો સુધી ટ્રાફિક સમસ્યા સર્જાવાથી પોર તેમજ આજુબાજુમાં આવેલા ઔદ્યોગિક એકમો, જેમાં નોકરી પર જતા લોકો રોજ મોડા પડતા હોય છે તેમજ ઔદ્યોગિક એકમોનો કાચો માલ અને ઉત્પાદિત થયેલ માલને પણ નિકાસ કરવો ઘણું મુશ્કેલ પડે છે. ટ્રાફિક સમસ્યાઓ કલાકો સુધી રહેતાં પોર જીઆઇડીસી અને ઔદ્યોગિક એકમોને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે. જેથી પોર જીઆઇડીસીના હોદ્દેદારોએ અગાઉ ધારાસભ્યને આવેદનપત્ર પણ આપ્યું હતું તેમજ સત્વરે ટ્રાફિક સમસ્યા નિકાલ કરવાની રજૂઆત કરી હતી. જોકે અહીંતો સાંસદ સહિત ધરાસભ્યોનું જાણે સરકારમાં કઈ ઉપજતું ના હોય તેમ લાગી રહ્યું છે.

ઘણા સમયથી નેશનલ હાઇવે નંબર 48 ઉપર દરેક ચોકડી ખાતે પણ દરરોજ સવાર સાંજ ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. જેના કારણે કલાકો સુધી વાહન ચાલકો સહિત જરૂરી કામ અર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તેમ છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ નહીં આવતા શોભાના ગાંઠિયા સમાન અને વાહવાહી લૂંટવામાં વ્યસ્ત બનેલા શાસકોના કારણે નાગરિકો હાલાકી વેઠવા મજબુર બન્યા છે. ત્યારે, કેટલાક ચાલકોએ વહીવટી તંત્ર અને તેના પર રાજ કરતા શાસકો સામે પોતાનો બળાપો કાઢ્યો હતો.

Most Popular

To Top