યુવાનોની ટીમ એઆઈ ટેકનોલોજીના ઉપયોગ સાથે આવનાર દિવસોમાં લડત લડશે :
સત્તાધીશોને એમની ફરજ અમે યાદ અપાવીશું નહીં તો આ વડોદરા વાસીઓ તમને તમારી જગ્યા બતાવશે : હિતેશ ગુપ્તા
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવવા નવનિર્માણ સંઘની જાહેરાત કરવામાં આવી હતી. થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં ચાલી રહેલા એઆઈ જનરેટેડ વિડીયો આજે જાહેરાતની પૂર્વ તૈયારીઓના પાછળ રૂપે હતા. ત્યારે શનિવારે દિવાળીપુરા વિસ્તારમાં પત્રકાર પરિષદ યોજી નવનિર્માણ સંઘની જાહેરાત કરવામાં આવી હતી. આ સંઘ હવે બરોડીયનોના પ્રશ્નોને વાચા આપી શાસકોની શાન ઠેકાણે લાવશે.

નવ નિર્માણ સંઘના માર્ગદર્શક તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ કામ કરી ચૂકેલા કીર્તિ પરીખ તેમજ આરએસએસ સાથે અગાઉ સંકળાયેલા ભાલચંદ્ર પાઠક , સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા, એમએસયુના પ્રો.સતીશ પાઠક, ગણેશ મંડળના જય ઠાકોર, સામાજિક આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ સહિતના અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ વડોદરાવાસીઓના હિત માટે લડતા નાગરિકો જોડાયા છે. પૂર્વ કોર્પોરેટર મીનલ ગોહિલ, ધારાશાસ્ત્રી શીતલ ઉપાધ્યાય જેવી મહિલાઓ પણ આ સંઘમાં જોડાયા છે.

જે આવનાર દિવસોમાં વડોદરા વાસીઓને વડોદરાના હિત માટે જાગૃત કરવાનું કામ કરશે. નોંધનીય છે કે આગામી સમયમાં વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી આવી રહી છે. ત્યારે આ સંઘની અસર આ ચૂંટણીમાં વર્તાશે કે કેમ તે જોવું રહ્યું. ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં 30 વર્ષથી એક જ પ્રકારનું શાસન જ્યારે ચાલતું હોય, એવામાં વડોદરાના માંડવીની આટલી કફોડી હાલત જોઈને વડોદરા વાસી તરીકે અમને તમામને ઘણું દુઃખ થઈ રહ્યું છે. ન્યાય મંદિર જેવી ધરોહર જે 2018 થી ખાલી પડેલી છે. એના માટે સત્તાધીશો કોઈ નિર્ણય નથી લઈ શકતા. હરણી બોટ કાંડ જેવા બનાવ બની રહ્યા છે અને ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર એની ચરમસીમા પર હોય એવી રીતે વડોદરા વાસીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે. એ અન્યાય સામે એક જૂથ થઈને વડોદરાના હિત માટે કંઈ કરવાની ભાવના સાથે વડોદરા નવનિર્માણ સંઘનું એક ગઠન કરવામાં આવ્યું છે અને આવનાર દિવસોમાં ન્યાયના રાજા તરીકે શહેરમાં અલગ અલગ જગ્યાએ પેટીઓ મૂકીને વડોદરા વાસીઓને પડતી તકલીફને વાચા આપવાનું અમે અમારી ફરજ સમજીને કાર્ય કરીશું.

વડોદરા માટે જે પણ સારામાં સારું કાર્ય થઈ શકે એવા તમામ કાર્યો કરવા માટે અમે બધા એક જૂથ થઈને આજે કટિબદ્ધ છે. એઆઈ જનરેટેડ વિડિયો કે વડોદરા સાથે જે અન્યાય થઈ રહ્યો હતો. એ અન્યાયને ઉજાગર કરવા માટે યુવાનોની ટીમ જે હવે એઆઈ ટેકનોલોજીના ઉપયોગ સાથે આવનાર દિવસોમાં લડત લડશે. એટલે યુવાનો અને વડીલોનું માર્ગદર્શન એ હવે એક જૂથ થઈને વડોદરાના હિત માટે એક નવી જ પ્રકારે અલગ રીતે આગળ લડાઈ લડવાના છે. વિનંતી કહો કે ચેતવણી કહો સરકારને એક જ વસ્તુ કહેવા માંગે છે કે હવે વડોદરા વાસીઓને જે અન્યાય અત્યાર સુધી થયો છે. એ આવનાર દિવસોમાં નહીં ચલાવી લઈએ. વડોદરા વાસીઓએ તમને પ્રેમ આપ્યો છે. હવે એ પ્રેમનો ઋણ ચૂકવવાનો સમય પાક્યો છે. તમે તમારી ફરજ નહીં બજાવો તો તમને તમારી ફરજ અમે યાદ અપાવીશું નહીં તો આ વડોદરા વાસીઓ તમને તમારી જગ્યા બતાવશે.