Charchapatra

સુરત એરપોર્ટથી વધુ એક દિવસ બેંગકોકની ફલાઈટ બંધ

લાગે છે કે આવનારા દિવસોમાં ધીરે ધીરે ફ્લાઈટોની સંખ્યા ઓછી થઇ જશે. પ્રગતિના પંથે અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું સાથે સાથે ક્રિકેટ સ્ટેડિયમ પણ મળ્યું હવે વડોદરા શહેરમાં પણ ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાની છે. જે સુરતની ફલાઈટ બંધ કરી લાભ વડોદરા, અમદાવાદને થશે. ખરેખર ગુજરાતમિત્રમાં આવેલ રિપોર્ટમાં લોલીપોપ શબ્દ સાચો પડ્યો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે મૂંગેરીલાલ કે હસીન સપને જેવી હાલત થઇ છે.

દિલ્હી લેવલ સુધી હવે આ સુરત એરપોર્ટ માટે વિગત પહોંચવી જરૂરી છે. અન્યાય પર અન્યાય થઇ રહ્યો છે. દિવસે દિવસે આ એરપોર્ટની ચમક ઝાંખી થવા લાગી છે. અમને આમ જો ફ્લાઇટ ઓછી થતી જશે તો સુરત શહેરીજનોને ખૂબ જ મોટો ફટકો પડે તેમ છે. દરેક ફ્લાઈટો ફૂલ જાય છે તો પણ સપ્તાહમાં ઘટાડો થવા લાગ્યો છે. આ પાછળનું કારણ જાણવા જરૂરી છે. ના તો ક્રિકેટ સ્ટેડિયમ ઊભું થઇ શકયું. ના તો એરપોર્ટની પ્રગતિના દ્વાર જેમાં ફ્લાઇટો, વધારો થવાને બદલે ઘટાડો થઇ રહ્યો છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની પ્રગતિ રામભરોસે છે.
ગોપીપુરા સુરત      – ચેતન અમીન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઉપવાસના વૈજ્ઞાનિક ફાયદા
ઉપવાસ, જે ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે, તેના વૈજ્ઞાનિક ફાયદાઓ આધુનિક સંશોધનો દ્વારા સાબિત થયા છે. પ્રથમ, ઉપવાસ પાચનતંત્રને આરામ આપે છે. લાંબા સમય સુધી ખોરાક ન લેવાથી શરીર ઝેરી તત્ત્વો દૂર કરે છે, જેને “ડિટોક્સિફિકેશન” કહેવાય છે. બીજું, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શરીરમાં “ઓટોફેજી” પ્રક્રિયાને ઉત્તેજન આપે છે, જેમાં કોષો જૂના અને નુકસાનકારક ભાગોનું રિસાયક્લિંગ કરે છે, જે કેન્સર અને અલ્ઝાઇમર જેવા રોગોનું જોખમ ઘટાડે છે.

ત્રીજું, ઉપવાસ ઇન્સ્યુલિનનું સ્તર નિયંત્રિત કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે શરીરની ચરબી ઘટાડી, હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. ગુજરાતી સમુદાયમાં નવરાત્રિ કે જૈન ઉપવાસો દરમિયાન ફળાહાર કે પાણી વિનાના ઉપવાસ શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. જો કે, ઉપવાસ સંયમિત અને તબીબી સલાહથી કરવો જોઈએ, ખાસ કરીને દર્દીઓ માટે. આમ, ઉપવાસ માત્ર ધાર્મિક નહીં, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ સ્વાસ્થ્યવર્ધક છે.
પુના ગામ, સુરત – સોલંકી સંજય – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top