સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ જનરલ (નિવૃત્ત) ડૉ. સી.જી.ડી.એન. ચિવેન્ગા, તેમનાં ધર્મપત્ની, ઝિમ્બાબ્વેના કેબિનેટ મંત્રીઓ રાજ મોદી (નાયબ મંત્રી- ઉદ્યોગ અને વાણિજ્ય) અને ટોંગાઈ માફીદી મનાંગાગ્વા (નાયબ મંત્રી – પર્યટન અને આતિથ્ય સત્કાર), ઝિમ્બાબ્વેના માનનીય એમ્બેસેડર સ્ટેલા એનકોમો અને ટોચના સચિવો સાથેનું પ્રતિનિધિમંડળ આજથી બે દિવસ સુરતની મુલાકાતે આવ્યું છે. આ મુલાકાતનો ઉદ્દેશ ઝિમ્બાબ્વે અને સુરત,દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક સમુદાય વચ્ચે વેપાર અને આર્થિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે આગમન વખતે ઉપરાષ્ટ્રપતિ ચિવેંગા અને તેમનાં પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું ઔપચારિક સ્વાગત કરાયું હતું. સુરતના મેયર દક્ષેશભાઈ મેવાણી, સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સુરત જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી અને એસજીસીસીઆઈના પ્રમુખ નિખિલ મદ્રાસી, તત્કાલીન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા અને ખજાનચી CA મિતિષ મોદીએ તેમને આવકાર્યા હતા. સુરતની ઔદ્યોગિક શક્તિનો પરિચય તેમની મુલાકાતના પ્રથમ દિવસે ઉપરાષ્ટ્રપતિ ચિવેન્ગાએ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત કાપડ અને હીરા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને સુરતની સમૃદ્ધ ઔદ્યોગિક સ્થિતિનું અન્વેષણ કર્યું હતું. આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ત્રણ મુખ્ય સંસ્થાઓની મુલાકાત લીધી હતી.
ઉપરાષ્ટ્રપતિએ ઉચ્ચ ગુણવત્તાવાળા હીરા કટીંગ, પોલિશિંગ અને નિકાસ-લક્ષી કામગીરી માટે પ્રખ્યાત અને હીરા ઉદ્યોગમાં અગ્રણી નામ હરેકૃષ્ણ એક્સપોર્ટ્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં સવજીભાઈ ધોળકિયાએ રજૂઆત કરી કે તમે જે કંઈ તક આપશો એ ઝડપવા અમે તૈયાર છીએ. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઝિમ્બાબ્વેમાં આપ સૌનું સ્વાગત કરવા અમે આતુર છીએ. ઉપરાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળે કડોદરાની પ્રખ્યાત ઐશ્વર્યા ડાઈંગ મિલની મુલાકાત પણ લીધી હતી અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ, મેન મેડ ફાયબર વિશે તલસ્પર્શી માહિતી મેળવી હતી. તેમણે આ મિલના માલિક રમેશભાઈ ડુમસિયા સાથે ચર્ચા કરી હતી.
આવતી કાલે બીજા દિવસે તા. ર૩ ઓગષ્ટના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરતની એપીએમસી માર્કેટની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે ૧૧:૧૦ કલાકે કતારગામ ખાતે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ અને બપોરે રઃ૦૦ કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઇ કૃષિ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ તેમજ શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓ સાથે વિચારગોષ્ઠી કરશે. આ ઉપરાંત સાંજે ૪: ૪૦ કલાકે ચેમ્બર ઓફ કોમર્સ સરસાણા ખાતે આયોજિત ઇન્ટરેકટીવ મિટીંગમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ્સ , ડાયમંડસ, એગ્રીકલ્ચર, ટુરિઝમ, ફાર્માસ્યુટિકલ, રિન્યુએબલ એનર્જી અને માઇનીંગ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન ટુ વન ચર્ચા વિચારણા કરશે.