સુરત: નવી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સો તથા એટ્રોસિટીના ગુનાનો આરોપી શુભમ શર્મા પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ, ખટોદરા, ચોકબજાર અને વરાછા પોલીસની ટીમો આરોપીને પકડવા માટે તલસ્પર્શી તપાસ કરી રહી છે. પોલીસ જાપ્તાના કર્મીની બેદરકારીએ ત્રણ પોલીસ સ્ટેશન તેમજ એક એજન્સીને કામે લગાવી દીધી છે.
ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી ચૌધરીએ જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં અશ્વિનીકુમાર રોડ પર રહેતો આરોપી શુભમ ઉર્ફે ડોન સુરેશ શર્માની પોક્સો તેમજ એટ્રોસિટીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી લાજપોર જેલમાં કાચા કામનો કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. આજે તેને સેશન્સ કોર્ટમાં તારીખ પર રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાંથી પાછા લાવતા આરોપી ખેંચ આવતા ઢળી પડ્યો, જેના કારણે તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈ જવાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી જાપ્તામાં રહેલા પોલીસકર્મીઓની નજર ચૂકવીને બેડ પરથી ભાગી છૂટ્યો હતો. ઘટના અંગે તરત જ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર રબારીએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં અમારી ટીમ હોસ્પિટલ દોડી આવી હતી. હાલમાં હોસ્પિટલ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપી કઈ દિશામાં ફરાર થયો તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. હાલમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.
કડક સુરક્ષા વચ્ચે આરોપી કેવી રીતે ભાગ્યો?
આરોપી ફરાર થવા પાછળ પોલીસ જાપ્તામાં રહેલા કર્મચારીઓની બેદરકારી સામે આંગળી ઊઠી રહી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપીને કડક સુરક્ષા હેઠળ રાખવાની ફરજ હોવા છતાં તે ફરાર થઈ શક્યો છે, જે ગંભીર સુરક્ષાકીય ખામી ગણાય છે. નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં રોજના મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના સગાઓ આવતા હોય છે, આવી ભીડ વચ્ચે પોલીસની બેદરકારીને કારણે ત્રણ પોલીસ સ્ટેશન તેમજ એક એજન્સીને કામે લગાડી દેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત પૂરતો હતો કે નહીં? તેમજ ફરાર થવા સમયે પોલીસ કર્મચારીઓની હાજરી અને જવાબદારી શું હતી? તેની તપાસ થવી ખૂબ જરૂરી બની છે.