સુરત : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ, ઇઝરાયેલ સાથે હમાસ અને ઇરાનના સંઘર્ષ તથા વૈશ્વિક મંદીની ગંભીર અસર ગુજરાતના હીરાઉદ્યોગ અને રત્નકલાકારો ઉપર પડી છે. રશિયન ડાયમંડ ઉપર G -7 દેશોએ લગાવેલા પ્રતિબંધને કારણે ગંભીર અસરમાંથી હજી ઉદ્યોગ મુક્ત થયો નથી ત્યાં અમેરિકા દ્વારા 27 ઓગસ્ટથી લાગુ કરવામાં આવેલા 50% ટેરિફથી ચિંતાનો માહોલ છે.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતનાં પ્રમુખ રમેશભાઈ જિલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, શ્રમ રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર મોકલી દિવાળી વેકેશન પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતના હીરા ઉદ્યોગમાં કામ કરતા 1.50 લાખથી 2 લાખ રત્નકલાકારો બેરોજગાર બનશે એવી શક્યતા વ્યક્ત કરી છે. અને આ અસરગ્રસ્ત બનાવાની શક્યતાવાળા પરિવારોનું અત્યારથી વિચારવામાં નહીં આવે તો મોટી મુશ્કેલીઓ ઊભી થશે. કારણકે, અમેરિકા અને યુરોપમાં ક્રિસમસની સિઝન માટેનો ઉત્પાદિત જથ્થો 27 ઓગસ્ટે 50% ટેરિફ લાગે એ પૂર્વે પહોંચી ગયો હશે. એ પછી દિવાળી સિઝન માટે ડોમેસ્ટિક કામકાજ રહેશે. અત્યારથી જ 30% ઉત્પાદન પર કાપ મૂકી દેવાયો છે.
અમેરિકાએ લગાવેલા ટેરિફથી હીરાઉદ્યોગ સાવ ભાંગી પડશે, અમારા અંદાજ મુજબ 5 લાખ રત્નકલાકારો એનાથી પ્રભાવિત થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો જોબવર્ક આધારિત ઉદ્યોગ પડી ભાંગશે. જેના કારણે આપઘાત તથા ગુનાખોરીના બનાવો પણ વધવાની શક્યતા છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે આ બાબતે ઝડપથી કોઈ નિર્ણય કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા વિદેશ મંત્રી એસ. જયશંકર તથા શ્રમ રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા અને વાણિજય મંત્રી પિયુષ ગોયલને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.
વડાપ્રધાન સહિત મંત્રીઓને લખવામાં આવેલા પત્રમાં હીરાઉદ્યોગના રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા, બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના શરૂ કરવા, રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા, આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ કરવા, મોંઘવારી મુજબ પગાર વધારવા અને વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગણી કરી છે
સમગ્ર વિશ્વમાં 10 હીરામાંથી 9 હીરા સુરતમાં બને છે
સમગ્ર વિશ્વમાં 10 હીરામાંથી 9 હીરા સુરતમાં બને છે અને એ તૈયાર થયા પછી 30% હીરા અમેરિકામાં નિકાસ થાય છે ત્યારે ટેરિફના કારણે અમેરિકામાં ઓછી ખરીદી થશે, જેની સીધી અસર પ્રોડક્શન ઉપર થશે અને પ્રોડક્શન ઘટવાના કારણે કારીગરોને કામ નહીં મળે અથવા તો ઓછું મળશે જેના કારણે રત્નકલાકારો બેરોજગાર થશે ત્યારે અમેરિકા ઉપર નિર્ભર રહેવાને બદલે આપણે બીજા દેશોમાં માર્કેટ શોધવા જોઈએ. છેલ્લા બે વર્ષમાં સુરત શહેરમાં અંદાજે 80 થી વધુ રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે અને સેંકડો લોકોએ હીરાઉદ્યોગને તિલાંજલિ આપી રહ્યા છે.
રત્નકલાકારોના બાળકોની શિક્ષણ સહાય તાત્કાલિક જમા કરાવવામાં આવે
હીરા ઉદ્યોગના કપરા સમયે સરકારે રત્નકલાકારોને મદદ કરવા સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં ઉઠાવેલા મુદ્દા બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવો જોઈએ. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા તારીખ 14/08/2025 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાને પણ લેખિત રજૂઆત કરી છે અને ગુજરાત સરકારે રત્નકલાકારોના બાળકો માટે જાહેર કરવામાં આવેલી 13500 રૂપિયાની શિક્ષણ સહાય તાત્કાલિક જમા કરાવવામાં આવે એવી માંગણી કરી છે.