“સ્થાનિક કાર્યક્રમમાં અમારી અવગણના, ફક્ત બાળુ શુક્લ જ બોલાવે છે”
બેઠકમાં બાળુ શુક્લે કહ્યું, આ ફક્ત વોર્ડનો મુદ્દો નહીં પરંતુ આખી પાર્ટીનો મુદ્દો છે
વડોદરા: વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે પાર્ટીની સંકલન બેઠક યોજાઈ હતી. શહેરના તમામ વોર્ડના ભાજપ કાઉન્સિલરોને લઈને આ બેઠક બોલાવવામાં આવી હતી. જોકે બેઠકમાં મેયર, ચેરમેન સહિતના કેટલાક અગત્યના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. શહેરને ચાર ઝોનમાં વહેંચીને ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ એમ બે જુદી જુદી બેઠકો યોજાઈ હતી. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ કાઉન્સિલરોને કહ્યું કે, વિકાસ કામોમાં ક્યાંય અડચણ આવે તો તેઓએ સીધું ધ્યાન દોરવું જોઈએ. પરંતુ ઉત્તર અને પૂર્વ ઝોનની બેઠક દરમિયાન અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું. વોર્ડ નંબર 15ની મહિલા કાઉન્સિલરો પારૂલબેન પટેલ અને પૂનમબેન શાહે ખુલ્લેઆમ પોતાના રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીમાં તેમની સતત અવગણના કરવામાં આવે છે. વોર્ડના કાર્યક્રમોમાં તેમને બોલાવવામાં આવતા નથી. શહેર ભાજપ કાર્યાલયમાં આવતાં પણ તેમની સાથે કોઈ વાતચીત કરતું નથી. પારૂલબેન અને પૂનમબેનના કહેવા મુજબ, પ્રમુખ જયપ્રકાશ સોની અને પ્રદેશ મહામંત્રી રત્નાકર તેમના વોર્ડમાં આવ્યા હોવા છતાં તેમને બોલાવવામાં આવ્યા નહોતા. ફક્ત ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ અમને કાર્યક્રમમાં બોલાવે છે, બાકી કોઈ બોલાવતું નથી.
બંને મહિલા કાઉન્સિલરોનો સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ હતો કે, “અમે પાર્ટીમાં છીએ તેમ છતાં અમારો આદર થતો નથી. જો અમારાથી કોઈ તકલીફ હોય તો અમને સીધું કહી દો.” આ ચર્ચા દરમિયાન એક મહિલા કાઉન્સિલરે ટિપ્પણી કરતાં કહ્યું કે આ મુદ્દો માત્ર વોર્ડનો છે. જોકે રાવપુરા ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લએ સ્પષ્ટતા કરી હતી કે, આ ફક્ત વોર્ડનો મુદ્દો નહીં પરંતુ આખી પાર્ટીનો મુદ્દો છે. તેથી તેને ગંભીરતાથી સાંભળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર 15ના એક કોર્પોરેટરને ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ આ બંને મહિલા કાઉન્સિલરો અગાઉ પણ જાહેર મંચ પર પોતાનો રોષ વ્યક્ત કરી ચૂક્યા છે. આજે સંકલન બેઠકમાં ફરી એક વખત તેમણે પોતાની અવગણના મુદ્દે ખુલ્લેઆમ રજૂઆત કરી હતી.