શિક્ષણાધિકારીની કચેરીનાં નિયંત્રણ હેઠળની તમામ શાળાઓએ ચૂસ્તપણે અમલ કરવા આદેશ :
અનિચ્છિનિય ઘટના ન બને તે જોવાની જવાબદારી શાળાનાં આચાર્ય અને શિક્ષકોની રહેશે :
( પ્રતિનિધી )વડોદરા,તા.22
અમદાવાદમાં સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં ભારે હોબાળો મચ્યો છે. ત્યારે, વડોદરાના ડીઈઓએ કચેરી નિયંત્રણ હેઠળ આવતી તમામ શાળાઓને બાળકો માટે સલામતી અને સુરક્ષા બાબતે પગલાં લેવા આદેશ આપ્યા છે. તેમજ આદેશનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી.
વડોદરા જિલ્લા અને પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.આર.પાંડે દ્વારા તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યા છે કે, શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા બાબતે શાળાએ જરૂરી પગલાં લેવાના રહેશે. જે અન્વયે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવી આ સમિતિની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાને આધીન રાખવાની રહેશે. આ શિસ્ત સમિતિમાં શાળાનાં આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થી-વર્ગનાં મોનીટર- જી.એસ. સભ્ય રહેશે. આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં, રિશેષ સમય રમત-ગમતના મેદાનમાં અને શાળામાં આવવા-જવાના સમયે સલામતી જાળવવાની કાર્યવાહી કરવાની રહેશે તેમજ શિક્ષકની ગેરહાજરી સબબ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા બેસી ન રહેતા તેઓને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં જોડવાનાં રહેશે. શાળાનાં આચાર્ય અને શિક્ષકની નૈતિક ફરજના ભાગરૂપ શાળામાં આવનાર બાળકની સલામતી જાળવવા પ્રાથમિકતા આપવાની રહેશે. વધુમાં જણાવ્યું છે કે, શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છિનિય ઘટના ન બને તે જોવાની જવાબદારી શાળાનાં આચાર્ય અને શિક્ષકોની રહેશે. સમયાંતરે વિદ્યાર્થીઓના સ્કુલ બેગની આકસ્મિક ચકાસણી પણ કરવાની રહેશે તથા બાળકો શાળાએ આવે તે પહેલાં વાલીઓને વિદ્યાર્થીઓના બેગની ચકાસણી કરી શાળાએ મોકલવા તેવી સૂચના વાલીમીટીંગમાં આપવાની રહેશે તેમજ શાળામાં બનતી અસાધારણ ઘટનાની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે અને યોગ્ય પગલાં સત્વરે લેવાના રહેશે. આ સૂચનાનું પાલન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં નિયંત્રણ હેઠળની તમામ શાળાઓએ ચૂસ્તપણે કરવાનું રહેશે.