શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં આઘાતજનક ઘટના બની છે. અહીં હીરાની ઘંટીમાં દુપટ્ટો ફસાઈ જતા મહિલા રત્નકલાકારના વાળ ખેંચાઈને માથાથી અલગ થઈ ગયા હતા.
- હીરા ઘસવાની ઘંટીની સરણમાં દુપટ્ટો ફસાતા માથાના વાળ ખેંચાઈને અલગ થઈ ગયા
- માથાના વાળ ઝાટકા સાથે અલગ થવાના લીધે મહિલા રત્નકલાકારના માથા પરથી લોહીનો ફૂવારો છૂટ્યો
- બેભાન અવસ્થામાં મહિલા રત્નકલાકારને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ
પ્રાપ્ત માહિતી કતારગામના એક નાના હીરાના કારખાનામાં હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં રત્નકલાકાર મહિલા હીરા ઘસી રહી હતી ત્યારે તેના ખભા પરનો દુપટ્ટો હીરાની ઘંટીની સરણમાં ફસાઈ ગયો હતો, જેના પગલે દુપટ્ટા સાથે મહિલા રત્નકલાકારના માથાના વાળ પણ સરણમાં ખેંચાઈ ગયા હતા. તેથી માથાના તમામ વાળ ખેંચાઈને અલગ થઈ ગયા હતા.
મહિલા બેભાન થઈ ગઈ હતી. માથા પરના તમામ વાળ ઝાટકા સાથે ખેંચાઈ જવાના લીધે તેના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. તેણીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાના બે દિવસ બાદ છૂટા થઈ ગયેલા વાળને મહિલાનું માથું અલગ થઈ ગયું હોય તેવું દર્શાવી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. તપાસ કરતા મહિલા સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
કયાં અને કયારે બની ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત મહિલા ચોક બજાર વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં રહે છે. 30 વર્ષીય મહિલા પરિવારને આર્થિક ટેકો આપવા માટે કતારગામના એક નાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. ગઈ તા. 20 ઓગસ્ટના રોજ સવારે મહિલા કારખાને પહોંચી હતી. સવારે 11.30 વાગ્યાના અરસામાં તે હીરા ઘસવાની ઘંટી પર કામ કરતી હતી ત્યારે દુઃખદ ઘટના બની હતી.