Sukhsar

સુખસર આસપુર ચોકડીના એગ્રો સેન્ટરમાં ખેડૂતોને દાદાગીરીથી ઊંચા ભાવે ખાતરનું વેચાણ

યુરીયા ખાતરની એક બેગના 266.50 પૈસાના બદલે 410 રૂપિયાના ભાવે ખુલ્લેઆમ *

*ખેડૂતો માટે મગરના આંસુ સારતી સરકાર અને ખેડૂત સંગઠનો સંતાયા છે ક્યાં?ના સવાલો કરતાં ગરીબ મજબૂર ખેડૂતો*

( પ્રતિનિધિ ) ‌‌ સુખસર

ફતેપુરા તાલુકામાં ધોધમાર કહી શકાય તેવા વરસાદનો હજી સુધી અભાવ જોવા મળે છે.નદી,નાળા,કુવા, તળાવો ખાલી છે.જ્યારે સામાન્ય કહેવાતા વરસાદથી ધરતીપુત્ર પોતાની ખેતીમાં ઊંચા ભાવના બિયારણો લાવી લગભગ ખેતી કરી ચૂક્યા છે.ત્યારે હાલ ખેતીમાં યુરિયા ખાતરની જરૂરિયાત છે.એવા જ સમયે ખેડૂતો દિવસો કે કલાકો સુધી એગ્રો સેન્ટરોની સામે લાંબી કતારમાં ઊભા રહી ખાતર મેળવવા મજબૂર બન્યા છે.ત્યારે ફતેપુરા તાલુકાના કેટલાક એગ્રો સંચાલકો ખેડૂતો પાસેથી ખાતરના ઊંચા ભાવો લઈ ખાતર વેચાણ કરી ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.ત્યારે મગરના આંસુ સારતી સરકાર અને ખેડૂત સંગઠનના આગેવાનો ગાંધીજીના ત્રણ વાંદરાઓની ભૂમિકા ભજવી રહ્યા છે. અને ખેડૂતો મજબૂરીમાં ઊંચા ભાવે ખાતર લઈ ખેતીમાં સારી ઉપજ મેળવવા હવાતીયા મારતા નજરે પડી રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ખેડૂતોને હાલ ખેતીમાં ખાસ યુરિયા ખાતરની જરૂરિયાતના સમયે ખાતર નહીં મળતા ખાતર મેળવવા ખેડૂતો દોડધામ કરી રહ્યા છે.જેનો ગેરલાભ ઉઠાવી કેટલાક એગ્રો સેન્ટર સંચાલકો ખાતરના ઊંચા ભાવો વસૂલાત કરતા તેની જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં ખેડૂતોની વહારે આવવાના બદલે માત્ર આશ્વાસન આપી આડકતરી રીતે ખાતરના ઊંચા ભાવો વસૂલાત કરતા એગ્રો સંચાલકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેવી જ રીતે ફતેપુરા તાલુકાના સુખસર આસપુર ચોકડી ખાતે આવેલા એગ્રો સેન્ટર સંચાલક પોતાની મનમાની ચલાવી રહ્યો છે. તેમાં આ એગ્રો સેન્ટર સંચાલક સુખસર પાસે આવેલ બચકરીયા ગામનો છે.જ્યારે આ એગ્રો સુખસરના આસપુર ચોકડી ખાતે રાખી ખેતીવાડીમાં ઉપયોગી ચીજ વસ્તુઓ વેચાણ કરે છે.જ્યારે હાલ ખેડૂતોને ખાતરની ખાસ જરૂરિયાત છે ત્યારે આ એગ્રો સેન્ટર સંચાલક સુખસરથી એક કિલોમીટર દૂર રાવળના વરુણા ગામે પોતાના ઘરે ખાતરની ગાડી ખાલી કરી આ ખાતરનો ભાવ રૂપિયા 266.50 પૈસા હોવા છતાં રૂપિયા 410 વસુલાત કરી રહ્યો છે.

આ બાબતે આ એગ્રો સેન્ટર સંચાલકને કાંઈ કહેવા જતા તે જણાવે છે કે,તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરી દો. અમારું કશું થવાનું નથી એવા જવાબો આપી જાગૃત લોકો અને પ્રજાને ધોળા દિવસે તાલુકા-જિલ્લાના ખેડૂત સંલગ્ન વહીવટી તંત્રોની કામગીરીના પારદર્શક ચલાવતા વહીવટના દર્શન કરાવી રહ્યો છે?ત્યારે પ્રશ્ન એ થાય કે આ એગ્રો સેન્ટર સંચાલકને આટલી હિંમત અને સત્તા કઈ સરકાર કે કયા અધિકારીએ આપી?અને આ એગ્રો સેન્ટર સંચાલકને કોનું પીઠબળ છે?તે એક તપાસનો વિષય છે.
ઉપરોક્ત બાબતે તાલુકા- જિલ્લાના ખેતી સંલગ્ન અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપી ફતેપુરા તાલુકામાં ખાતરની કુત્રિમ અછત ઊભી કરી ખેડૂતો પાસેથી મન ફાવતા એગ્રો સંચાલકો દ્વારા ભાવો વસૂલ કરી છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારે તેવા એગ્રો સંચાલકો ની તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમનું લાયસન્સ રદ કરી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તેવું આયોજન કરવામાં આવે તેવી ફતેપુરા તાલુકાના ધરતી પુત્રોની માંગ ઉઠવા પામી છે.

Most Popular

To Top