નવી દિલ્હી, તા. 21 (PTI): આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ) ની સફળ યાત્રાથી ઉત્સાહિત, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ ગુરુવારે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં કોઈ આપણા પોતાના કેપ્સ્યુલમાં, આપણા પોતાના રોકેટમાં, આપણી પૃથ્વી પરથી અવકાશમાં મુસાફરી કરશે.
ગ્રુપ કેપ્ટન શુક્લાએ અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આઇએસએસ મિશનનો સીધો અનુભવ અત્યંત અમૂલ્ય હતો અને કોઈપણ તાલીમ કરતાં વધુ સારો હતો. તેમણે કહ્યું કે ભારત હજુ પણ સારે જહાં સે અચ્છા દેખાય છે. આ શબ્દો સૌપ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માએ 1984 માં તેમના અવકાશ મિશન દરમિયાન ઉચ્ચાર્યા હતા.
પોતાના ‘એક્સિઓમ-૪’ મિશન અંગે શુક્લાએ કહ્યું કે આઇએસએસ મિશનમાંથી મળેલો અનુભવ ભારતના ગગનયાન મિશન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે કહ્યું હતું કે તમારી પાસે ગમે તેટલી તાલીમ હોય, જ્યારે તમે રોકેટમાં બેસો છો અને એન્જિન શરૂ થાય છે અને તમે ઉડાન ભરો છો, ત્યારે મને લાગે છે કે તે ખૂબ જ અલગ લાગણી હોય છે. શુક્લાએ કહ્યું હતું કે મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે તે કેવું લાગશે. રોકેટમાં ચઢવાથી લઈને પૃથ્વી પર પાછા ફરતી વખતે સમુદ્રમાં ઉતરાણ સુધીનો અનુભવ અવિશ્વસનીય હતો. તે એટલો રોમાંચક અને અદ્ભુત હતો કે મારી પાસે તેનું વર્ણન કરવા માટે શબ્દો નથી.
ભારતના ગગનયાન મિશન ક્રૂના સભ્ય, ગ્રુપ કેપ્ટન પ્રશાંત બી નાયરે કહ્યું હતું કે દિવાળી થોડા મહિના પછી આવી રહી છે. આ તે સમય છે જ્યારે રામજી અયોધ્યામાં પ્રવેશ્યા હતા. અત્યારે જો હું અહીં પોતાને લક્ષ્મણ કહી શકું… ભલે હું શુક્લા કરતા મોટો છું, તો પણ હું કોઈ દિવસ આ રામનો લક્ષ્મણ બનવા માંગુ છું. શુક્લાએ ભારત સરકાર, ઇસરો અને મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સખત મહેનત કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.