SURAT

ગભરાવ નહીં, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રફ ડાયમંડનો સીધો વેપાર શક્ય છે: રાજ મોદી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ General (Retd.) Dr. C.G.D.N. Chiwenga ‘GCZM’, ઝિમ્બાબ્વેના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી રાજ મોદી તેમજ ડેપ્યુટી મિનિસ્ટર ટુરિઝમ એન્ડ હોસ્પિટલિટી મેનેજમેન્ટ ટોંગાઈ માફીદી મનાંગાગ્વા (Tongai Mafidi Mnangagwa) ઝિમ્બાબ્વેના એમ્બેસેડર સ્ટીલ નિકોમો અને ટોપ સેક્રેટરીએટ્‌સ સાથેનું પ્રતિનિધિ મંડળ 22 અને 23 ઓગષ્ટ 2025 દરમ્યાન સુરતની મુલાકાતે પધારશે.

આ સંદર્ભે ચેમ્બર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મૂળ રાજપીપળાના વતની એવા ઝિમ્બાબ્વેના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી રાજ મોદીએ જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વે દક્ષિણ ગુજરાત સાથે ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, વાહનો અને મશીનરી સેગમેન્ટમાં કામ કરવા ઉત્સુક છે. ઝિમ્બાબ્વેના હીરા કિમ્બર્લી પ્રોસેસ મુજબ પ્રમાણિત છે. સુરત, મુંબઈમાં બનતી જ્વેલરી માટે ઝિમ્બાબ્વે રફ ખૂબ અનુકૂળ છે. ડાયમંડ મેન્યુફેક્ચરિંગના હબ સુરતમાં એ માટે પૂરતી મશીનરી અને ટેક્નોલોજી પણ છે. અમે ભારત સાથે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ થાય એ માટે ઉત્સુક છીએ.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ઝીમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટની આ મુલાકાત સુરત સહિત દક્ષિણ ગુજરાતના વેપાર અને ઉદ્યોગ માટે નવી તકોનું દ્વાર ખોલશે. ટેક્સટાઇલ્સ, ડાયમંડસ, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ગુજરાતના ઉદ્યોગોની કુશળતા ઝીમ્બાબ્વેના પ્રાકૃતિક સંસાધનો તથા નવા ઉભરતા બજાર સાથે જોડાય ત્યારે બંને દેશો માટે પરસ્પર ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મુલાકાતથી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ–ઇમ્પોર્ટ, ટેકનોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત સાહસો (જોઇન્ટ વેન્ચર્સ) માટે વિશાળ તકો ઉપલબ્ધ થશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી, ઉપપ્રમુખ અશોક જીરાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા, મંત્રી બિજલ જરીવાલા અને ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલીગેશન બે દિવસ દરમ્યાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રોના ઉદ્યોગકારો તથા આગેવાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. ખાસ કરીને એગ્રીકલ્ચર (એપીએમસી), દૂધ ઉત્પાદન (સુમુલ), હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, માઇનીંગ સેકટર, શિક્ષણ ક્ષેત્ર અને એનર્જી સેકટર (સોલાર) તથા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનોના હોદ્દેદારો સાથે મીટિંગો કરશે. સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે વન–ટુ–વન ચર્ચા વિચારણા દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને ઝીમ્બાબ્વેમાં સીધી બિઝનેસ કનેકિટવિટી, નેટવર્કિંગ તથા ઈન્વેસ્ટમેન્ટની તકો મળશે. ખાસ કરીને માઇનીંગ, કૃષિ આધારિત ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને ઈ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં સહકાર વધવાથી સુરતના વેપાર અને ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક લાભ મળી શકે છે. એકંદરે, આ વિઝીટ દક્ષિણ ગુજરાતના વેપારિક ક્ષેત્રોને નવા વૈશ્વિક બજારો સાથે જોડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

23મીએ વાઈસ પ્રેસિડેન્ટનું સ્વાગ અને ચલો ઝિમ્બાબ્વે કાર્યક્રમ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ર૩ ઓગષ્ટના રોજ સાંજે પઃ૦૦ કલાકે ભારતીય સંસ્કૃતિ મુજબ ઢોલ નગારા અને લેઝીમની સાથે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે ધંધાકીય તકોના આદાન – પ્રદાન અને ટુરિઝમ ક્ષેત્રે જોડાણની તકો સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ચલો ઝિમ્બાબ્વે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સુરતના ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને પ્રોફેશનલ્સની સાથે સીધો સંવાદ સાધશે.

ઝિમ્બાબ્વેનું પ્રતિનિધિ મંડળ આજે સુરતની ડાયમંડ કંપનીઓ, સુમુલ ડેરી, APMC, VNSGU અને ચેમ્બરની મુલાકાત લેશે
રરમી ઓગષ્ટે બપોરે ૧રઃર૦ કલાકે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલીગેશન ભાટપોર સ્થિત હરેકૃષ્ણા ડાયમંડની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે ૩ઃ૦૦ કલાકે ઐશ્વર્યા ડાઇંગ મિલ્સ પ્રા. લિમિટેડ અને સાંજે ૪ઃ૧૦ કલાકે સુમુલ ડેરીની મુલાકાત લઇ ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠકો કરશે.

બીજા દિવસે ર૩મી ઓગષ્ટે સવારે ૧૦ઃ૦૦ કલાકે સુરતની એપીએમસી માર્કેટની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે ૧૧ઃ૧૦ કલાકે કતારગામ ખાતે શ્રીરામકૃષ્ણ એક્ષ્પોર્ટ અને બપોરે રઃ૦૦ કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઇ કૃષિ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ તેમજ શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓ સાથે વિચારગોષ્ઠી કરશે. આ ઉપરાંત સાંજે ૪ઃ૪૦ કલાકે ચેમ્બર ઓફ કોમર્સ સરસાણા ખાતે આયોજિત ઇન્ટરેકટીવ મીટિંગમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ્સ, ડાયમંડસ, એગ્રીકલ્ચર, ટુરિઝમ, ફાર્માસ્યુટિકલ, રિન્યુએબલ એનર્જી અને માઇનીંગ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન ટુ વન ચર્ચા વિચારણા કરશે.

Most Popular

To Top