સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં 2021 રાયોટીંગના 47 આરોપી પૈકી કેટલાક આરોપી સતત કોર્ટ મુદ્દતમાં ગેરહાજર રહેતા હોવાથી કોર્ટની આકરી કાર્યવાહી
સાવલી: સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં 2021 રાયોટીંગના 47 આરોપી પૈકી કેટલાક આરોપી સતત કોર્ટ મુદ્દતમાં ગેરહાજર રહેતા આજરોજ તમામને હાજર રહેવાનું કહેતા બે આરોપી ગેરહાજર જણાતા ર કોર્ટે આકરું વલણ અપનાવીને 45 આરોપીઓને જેલમાં મોકલવાનો હુકમ કરતા સન્નાટો મચી જવા પામ્યો છે અને પરિવારજનો રુદન કરતા જોવા મળી રહ્યા હતા
કોર્ટ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાવલીના ભીમનાથ મહાદેવ વિસ્તારમાં 2021 માં બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સાવલી પોલીસ મથકે બંને જૂથો સામે કુલ 47 ઈસમો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. જેનો કેસ નીચલી કોર્ટમાં ચાલી 2023માં અધિક સેશન્સ કોર્ટ માં કમિટ થયો હતો અને ત્યારબાદ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. ત્યારબાદ આ કેસ બોર્ડ પર આવતા વારંવાર આરોપીઓને સમન્સ બજાવીને કોર્ટ કામે હાજર રહેવા માટે કોર્ટ દ્વારા તાકીદ કરવામાં આવતી હતી. પરંતુ તેઓ પૈકીના કેટલાક આરોપીઓ સતત ગેરહાજર રહેતા હતા. જેથી 10 દિવસ અગાઉ કોર્ટે તેઓના સમન્સ તેમજ વકીલ દ્વારા જામીનદારો અને તમામ આરોપીઓને હાજર રહેવા માટે આજની મુદત આપી હતી. આજરોજ 47 પૈકી બે આરોપીઓ ગેરહાજર રહેતા કોર્ટે ભારે આકરું વલણ અપનાવ્યું હતું અને આરોપીઓના વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આરોપી ઓ હાજર રહેતા નથી અને અમારા કંટ્રોલમાં નથી. તેથી સાવલીના એડિશનલ સેશન્સ જજ દ્વારા રાયોટિંગના ગુનાના બંને પક્ષોના 45 આરોપીઓ જે આજરોજ હાજર હતા તેમને કોર્ટે જેલ વોરંટ ભરી જેલમાં મોકલી આપવાનો હુકમ કરતા સન્નાટો મચી જવા પામ્યો હતો. કોર્ટના હુકમના પગલે કોર્ટ પરિસરમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.
કોર્ટ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ કોર્ટના આ હુકમથી તમામ આરોપીઓને નવેસરથી જામીન મેળવવાના રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે પ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં આરોપીઓને જેલ વોરંટ ભરવાનો હુકમ થતાં સમગ્ર તાલુકામાં સન્નાટો મચી જવા પામ્યો છે