જેન્ટ્સ ઓફિસર વર્ગ-1-2 માટે સફેદ સાદા અથવા પટ્ટાવાળા શર્ટિંગ અપાશે
રેમન્ડ, અરવિંદ, વિમલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મફતલાલ, ગ્વાલિયર, સિયારામ્સ, દિગ્જામ, સ્કુમાર અને હંસ જેવી કંપનીઓના કાપડનો જ ઉપયોગ કરાશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવા યુનિફોર્મની ખરીદી માટે અંદાજિત 2.74 કરોડ રૂપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. પાલિકા વિવિધ વર્ગના કર્મચારીઓ માટે અલગ-અલગ રંગ અને પ્રકારના યુનિફોર્મ ટેન્ડર પ્રક્રિયા કરી ખરીદશે. આ ખરીદી માટે જરૂરી શર્ટિંગ અને સુટિંગ કાપડ નિર્ધારિત કંપનીઓ પાસેથી જ લેવાશે. જેન્ટ્સ ઓફિસર વર્ગ-1-2-3 માટે કાળા કે નેવી વાદળી રંગના સુટિંગનું કાપડ આપવામાં આવશે. એક ટુકડામાં 2.60 મીટર લંબાઈ અને આશરે 150 સેમી પહોળાઈનું કાપડ રહેશે. જેન્ટ્સ ઓફિસર વર્ગ-1-2 માટે સફેદ સાદા અથવા પટ્ટાવાળા શર્ટિંગ આપવામાં આવશે. એક ટુકડામાં 5 મીટર લંબાઈ અને 90 સેમી પહોળાઈનું કાપડ હશે. જેન્ટ્સ ઓફિસર વર્ગ-3 માટે સફેદ પિન પટ્ટાવાળા શર્ટિંગ રહેશે. એક ટુકડામાં 5 મીટર લંબાઈ અને 90 સેમી પહોળાઈનું કાપડ મળશે. વર્ગ-4 કર્મચારી માટે ખાખી, સફેદ, નેવી બ્લુ, ક્રીમ પીળો અથવા ઘેરો વાદળી રંગના શર્ટિંગ આપવામાં આવશે. એ જ કર્મચારીઓ માટે સુટિંગ કાપડ ખાખી, સફેદ, નેવી બ્લુ, ઓલિવ ગ્રીન અથવા ડાર્ક બ્લુ રંગમાં રહેશે. એક ટુકડામાં 5 મીટર લંબાઈના શર્ટિંગ તથા 2.60 મીટર લંબાઈના સુટિંગનો સમાવેશ થશે.
મહિલા અધિકારી વર્ગ-1-2 માટે વાદળી સાડી, સફેદ પ્રિન્ટેડ સાડી, વાદળી બ્લાઉઝ અને વાદળી સ્કર્ટ આપવામાં આવશે. ઉપરાંત બ્લુ પ્રિન્ટેડ ડ્રેસ મટિરિયલ ટોપ, સફેદ બોટમ અને સફેદ પ્રિન્ટેડ દુપટ્ટો સામેલ છે. મહિલા અધિકારી વર્ગ-3 માટે ગુલાબી સાડી, ગુલાબી બ્લાઉઝ, ગુલાબી સ્કર્ટ તેમજ ગુલાબી પ્રિન્ટેડ ડ્રેસ મટિરિયલનું કાપડ રહેશે. મહિલા વર્ગ-4 કર્મચારી માટે બદામી સાડી, બદામી બ્લાઉઝ માટે કાળા રંગનું કાપડ અને બદામી સ્કર્ટ માટે સુતરાઉ રંગનું કાપડ આપવામાં આવશે. આ તમામ કાપડની ખરીદી માટે રેમન્ડ, અરવિંદ, વિમલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મફતલાલ, ગ્વાલિયર, સિયારામ્સ, દિગ્જામ, સ્કુમાર અને હંસ જેવી કંપનીઓના કાપડનો જ ઉપયોગ કરવામાં આવશે. આમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સમાનતા સાથે યુનિફોર્મ ઉપલબ્ધ કરાવવા માટે અંદાજિત 2.74 કરોડનો ખર્ચ થવાનો છે.