જન્માષ્ટમીની રજાઓમાં સુરતની હીરાની ફેક્ટરીમાંથી રૂપિયા 32 કરોડની માતબર રકમના હીરા ચોરાયા હોવાનો સનસનીખેજ ઘટના બની હતી. જોકે, વધુ ચોંકવનારી બાબત એ છે કે હીરાની ચોરી ફેક્ટરીના માલિક જ કરાવી હતી. કરોડો રૂપિયાનો હીરાનો વેપાર ધરાવતા હીરાના વેપારીએ પોતાની જ ફેક્ટરીમાં હીરાની ચોરી કેમ કરાવવી પડી તે પ્રશ્ન સૌ કોઈના મુખે ચર્ચાઈ રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલામાં સુરત પોલીસે મોટો ખુલાસો કર્યો છે.
શું બની હતી ઘટના?
ગઈ તા. 18 ઓગસ્ટના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર રોડ પરની કપૂર વાડીની ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં 32 કરોડના હીરા ચોરાયા હોવાનો કેસ પોલીસ ચોપડે નોંધાયો હતો. ભૂતકાળમાં ક્યારેય આટલી મોટી ચોરીનો કેસ બન્યો ન હોય સુરત પોલીસ તંત્ર દોડતું થયું હતું. 15 ઓગસ્ટ, જન્માષ્ટમી અને રવિવારની રજા એમ કુલ ત્રણ રજા દરમિયાન આ ચોરીની ઘટના બની હોવાથી પોલીસને તપાસ શરૂ કરવામાં જ પરસેવો પડી ગયો હતો. જોકે, પહેલેથી જ આ ચોરીની ઘટના પોલીસને શંકાસ્પદ લાગી રહી હતી. અનેક સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ ફરિયાદના બીજા જ દિવસે આ ચોરી જ નકલી હોવાનું પકડી પાડ્યું હતું.
આશ્ચર્યની વાત એ છે કે આ ચોરીના કેસમાં પોલીસે ડાયમંડ કંપનીનો માલિક ડી.કે. મારવાડી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જોકે, હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે મારવાડીએ પોતાની જ કંપનીમાં ચોરીનું નાટક કેમ કર્યું?
વીમો પકવી દેવું ચુકવવા તરકટ રચ્યું
સમગ્ર ચોરીનું ષડયંત્ર રચવાનું કારણ 25 કરોડનું દેવું થઈ ગયું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. 300 કરોડ ટર્ન ઓવર ધરાવતી કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી હાલ ચાલી રહેલા હીરા ઉદ્યોગના મંદીના કારણે ધીમે ધીમે દેવામાં ઉતરી રહ્યા હતા. થોડા સમયમાં જ 25 કરોડથી વધુનું દેવું થઈ ગયું હતું. તેણે પોતાનું ઘર ગીરવે મુકીને બેંકમાંથી 14 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત માર્કેટમાંથી 7 કરોડ અને વતન રાજસ્થાનથી 4 કરોડ લીધા હતા. જેને પગલે આ દેવામાંથી બહાર નીકળવા વીમો પકવવાનું કારસ્તાન સૂઝ્યું હતું. જેથી તેણે લીધેલો વીમો 10 દિવસ પહેલા રિન્યૂ કરાવ્યો હતો. આ વિમાની રકમ 20 કરોડ જેટલી આવે તેવી શક્યતા હતી.
તેની સાથે એક પુત્ર પણ સામેલ છે અને એક પુત્રની સંડોવણી અંગે તપાસ થશે. નકલી ચોરી હોવાનો ખુલાસો થયા બાદ ફરિયાદી એવા ડીકે મારવાડીની અટકાયત કરી લેવાઈ છે.