દિલ્હીમાં બુધવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેર સુનાવણી દરમિયાન થયેલા હુમલાથી રાજકીય માહોલમાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં સામેલ વ્યક્તિની ઓળખ ગુજરાતના રહેવાસી રાજેશભાઈ ખીમજીભાઈ સાકરિયા તરીકે થઈ છે. 41 વર્ષીય રાજેશ વ્યવસાયે ઓટો ડ્રાઈવર છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજેશ મૂળ રાજકોટ (ગુજરાત)નો વતની છે. પોલીસે હુમલો કરનારની માતા ભાનુ બેન સાથે પૂછપરછ કરી. જેમાં કેટલાક મહત્વના ખુલાસા થયા છે. માતાના જણાવ્યા અનુસાર રાજેશ એક “પ્રાણી પ્રેમી” છે અને ખાસ કરીને કૂતરાઓ માટે ખૂબ લાગણીશીલ છે. છેલ્લા ઘણા સમયથી તે કૂતરાઓ સંબંધિત મુદ્દાઓને લઈને પરેશાન હતો. ભાનુબેના જણાવ્યા મુજબ આ જ કારણસર તેનો દીકરો દિલ્હી આવ્યો અને જાહેર સુનાવણી દરમિયાન પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
હુમલા પછી પોલીસની કાર્યવાહી
બુધવારે સવારે જ્યારે રેખા ગુપ્તા સિવિલ લાઇન્સ સ્થિત તેમના કાર્યાલયમાં જાહેર સુનાવણી કરી રહ્યા હતા. ત્યારે રાજેશે અચાનક તેમની તરફ ધસી જઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મચારીઓએ તરત જ તેને કાબૂમાં લીધો. આ બનાવને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હાલ રાજેશ પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે હુમલાની પાછળના સચોટ કારણો હજી બહાર આવ્યા નથી પરંતુ તેની વ્યક્તિગત પરિસ્થિતિ અને માનસિક સ્થિતિને પણ તપાસવામાં આવી રહી છે.
રાજકીય પ્રતિસાદ
આ ઘટના બાદ વિરોધ પક્ષોએ સુરક્ષા ખામીઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આ હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે લોકશાહી પ્રક્રિયા પર હુમલો અસહ્ય છે.
કેસ ચર્ચાનો વિષય
દિલ્હીમાં આ બનાવ ઝડપથી ચર્ચાનો વિષય બની ગયો છે. સવાલ ઉઠી રહ્યો છે કે એક સામાન્ય ઓટો ડ્રાઈવર ગુજરાતથી દિલ્હી આવીને મુખ્યમંત્રી સુધી કેવી રીતે પહોંચી ગયો.
બીજી તરફ, આરોપીની માતાના દાવા મુજબ તેનો દીકરો માત્ર કૂતરાઓ માટેના પ્રેમ અને ચિંતાને કારણે આટલું મોટું પગલું ભરવા મજબૂર થયો હતો.
હાલમાં પોલીસ વિગતવાર તપાસ કરી રહી છે અને આગામી સમયમાં વધુ માહિતી બહાર આવવાની શક્યતા છે.