Comments

માનવ આરોગ્ય માટે દવાઓ હાનિકારક છે!

વિશ્વના ૧૮૫ દેશોમાં ૪ અબજ કરતાં વધુ લોકો સુધી અસર ફેલાવનાર કોરોના વાયરસનું કુલ વજન ૧.૭ ગ્રામ હતું. બેકટેરિયા સુધી વિસ્તરેલ વિજ્ઞાનને પ્રથમ વખત અત્યંત સુક્ષ્મ વાયરસની તાકાતનો પરિચય થયો. મેરીલેન્ડની ઇન્સ્ટિટયુટ ફોર જીનોમ રીસર્ચના અહેવાલ અનુસાર માનવ હૃદયનાં સ્વસ્થ સંચાલન માટે ૭૦૦ પ્રકારનાં એક કોષીય સુક્ષ્મ બેકટેરિયા કાર્યરત હોય છે અને શરીરનાં પાચનતંત્ર અવયવો તો અબજોની સંખ્યામાં ગટ બેકટેરીયાનું ગોડાઉન બની કાર્યરત હોય છે. માઈક્રો એન્વાયરમેન્ટ જનરલમાં પ્રકાશિત નોંધ જણાવે છે કે પીવાલાયક પાણીનાં પ્રત્યેક ક્રિસ્ટલમાં રહેલ બેકટેરિયા જ પાણીને સ્વચ્છ અને પારદર્શી રાખે છે.

આમ છતાં પ્રકૃતિની અદ્દભુત સંરચનાના સાક્ષી બેકટેરિયાના જેનેટિકલ માઇક્રોસ્કોપિક અભ્યાસ ઉપરથી ખ્યાલ આવે છે કે માનવ હથેળી ઉપરનાં નિવાસી ૧૫૦ પ્રકારનાં સુક્ષ્મ જીવાણુઓ પણ પોતાનાં રંગસૂત્રોમાં એક-બીજાથી બિલકુલ અલગ-અલગ હોય છે. માનવ અસ્તિત્વનાં ૨૮ લાખ વર્ષનાં ઇતિહાસમાં પ્રથમ વખત જીવ વિજ્ઞાનને બેક્ટેરિયાનાં થોડા પ્રકારો સમજમાં આવ્યા છે.

પ્રાકૃતિક સ્વાસ્થ્ય જાળવી રાખવાનાં ભગીરથ કાર્યમાં માનવ મસ્તિષ્કને મદદરૂપ થતાં બેકટેરિયા અને તેનાં સંયોજનમાંથી વિકસતા વાયરસથી જ શરીર વિકાસ, રોગપ્રતિકાર અને ભય સામેના પ્રતિભાવોનું સંતુલન જાળવે છે. આજ પૃથ્વી ઉપર સરેરાસ ૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવતા હાથી અને ૫૦૦ વર્ષ સુધી દરિયાનાં પાણીમાં રહેતા કાચબા ઉપરનાં સંશોધનોથી ખ્યાલ આવે છે કે શરીરને પસંદ આવતો ખોરાક એક માત્ર પર્યાપ્ત ઔષધ છે. તે સિવાય બહારથી ઉમેરાતા કેમિકલ સરવાળે માનવ શરીરની પ્રાકૃતિક રીધમને ખલેલ પહોચાડનારાં જ હોય છે.

ઉદાહરણ રૂપે પુખ્તવયની સ્ત્રીઓમાં માસિક ધર્મની સાયકલ અને રોજિંદા જીવનનાં સંયોજન ઉપર અભ્યાસ કરતાં જાપાનનાં વાસેદા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું તારણ લક્ષમાં લેતાં ખ્યાલ આવે છે કે, પિરીયડ દરમ્યાન પ્રતિકુળતા ટાળવા લેવામાં આવતી દવાઓમાં મેફેનામિક એસિડ, ઈઓસિનો ફિલીયાના લીધે બેક્ટેરિયા પોતાની પ્રાકૃતિક રીધમ ખોઈ બેસે છે. પરિણામે શરીરથી શરીરની લડાઈ શરૂ થાય છે.

એરિઝોના યુનિવર્સિટીના મનોવિજ્ઞાની માઈકલ વર્નુમનાં ફેક મેડીસીન (મનોરોગ) ઉપરના ૨૫૦૦ દર્દીઓ સાથેનાં અવલોકનો નોંધે છે કે, ૮૦% માનવીય ‘રોગોનું અસ્તિત્વ માનસિક હોય છે. ઈશ્વરનાં સાકાર સ્વરૂપ માફક રોગ હોતો જ નથી. મનોવિજ્ઞાની લખે છે- રોગ એ વ્યક્તિની ધારણા માત્ર છે. મનનાં સ્તરે ઊભા થતાં, વિકસતા અને સમાપ્ત થતાં શ્વસન, સ્નાયુઓ, લોહીનાં બંધારણીય ફેરફાર પ્રકારનાં સાયકો સોમેટીક ડીસીઝમાં તો બહારથી લેવાતી દવાઓ થકી બેક્ટેરિયા અને વાયરસનું સંયોજન બિન જરૂરી રીતે ખોરવાય જાય છે.

આધારભૂત સારવાર અંગેના WHOનાં ૧૯૮૬નાં ધોરણોમાં સ્પષ્ટતા કરાઈ છે કે, “દવા સાપેક્ષ સ્થિતિમાં નક્કી થાય છે. નહીં કે દર્દી દ્વારા દર્શાવાતી અસર (સિમટમ્પ્સ) આધારે.” આમ છતાં કોરોના સ્થિતિમાં ઉપાય તરીકે મીથેલીન બ્લ્યુ અને રેમ-ડેસીવરનો અતિરેક અમલમાં આવતા દર્દીનું ઓક્સિજન લેવલ પ્રભાવિત થયું. કિડની ક્ષારથી કાયમી રીતે ડેમેજ થવા સાથે લોહીમાં શ્વેતકણનું પ્રમાણ અસ્થાઈ બનતું જોવા મળ્યું.

ગંભીર સ્થિતિમાં આઈ.સી.યુ. માનસિક દબાણ વધારનાર બન્યાં. સરવાળે અનેક માનવ શરીરનું આરોગ્ય સહજ સ્થિતિમાંથી ખસી ક્રિટીકલ બની બેઠું. એટલું જ નહીં પણ માનવ શરીર ઉપર ૪૦૦ એકસરે જેટલી રેડીએશન અસર છોડનાર સિટીસ્કેન પ્રકારની બિનજરૂરી સારવારથી પ્રભાવિત નાગરિકો આજે પાંચ વર્ષ પછી યુવાવયે હૃદયરોગના હુમલાથી પીડાઈ રહ્યાં છે. ફ્રાન્સીસી શોધકોના વોશિંગ્ટનથી પ્રકાશિત તાજેતરનાં અભ્યાસથી જણાય છે કે કોવિડ-19માં છૂટા હાથે દવાની દુકાનો ઉપર વેચાતી હાઇડ્રોકસી ક્લોરો ક્વીન (HCQ)નાં કારણે માત્ર અમેરિકા યુરોપમાં ૧૭૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે.

આયુર્વેદ પણ યોગ્ય માત્રા, યોગ્ય રીત અને યોગ્ય વયના ખ્યાલ સાથે પથ્ય-અપથ્યની હિમાયત કરે છે. ઉદાહરણ સ્વરૂપ સુવર્ણભસ્મ જેવી મૂલ્યવાન સારવાર પૂર્ણ શોધન પહેલા શરીરમાં દાખલ કરવામાં આવે તો પાચનતંત્ર, કીડની અને ત્વચા ઉપર જવર ઉભરી લાવે છે. શરીરનાં સહજ અનુકૂલનને જાળવી રાખવા માટે ઉપયોગી સારવાર પદ્ધતિમાં દવા એક આયામ માત્ર છે. ત્યારે તેનો અતિરેક વર્જિત બને છે. કબજિયાત, ચામડીમાં ખંજવાળ, એકાએક ઝાડા, માથાનો દુખાવો, ઉબકા-ઉલ્ટી, શરદી, સુસ્તી અને નિરાશા પ્રકારનાં ચિહ્નો કંઇક અંશે ખોટી સારવારની જ ઉપજ છે.

અમેરિકા અને યુરોપમાં ફુડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન એકટ પોતે જ એટલો પ્રભાવી છે કે, ડૉકટરો દર્દીને જરૂરિયાત અનુસાર માત્ર ડ્રગ સૂચવી શકે છે અને દવા ફાર્માસિસ્ટ નક્કી કરે છે. પરંતુ ભારતમાં દવાની કંપની અને ડૉક્ટરોના પારસ્પારિક હિતોના લીધે બ્લડપ્રેશર, પેઈનકીલર, શરદી ખાસી માટેની દવા, વજન-વધારવા ઘટાડવાની કંપનીઓની દવાઓ જ સેન્ટ્રલ ડ્રગ સ્ટાનડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનનાં ધારા-ધોરણથી નિમ્ન પૂરવાર થાય છે.

વિક્રમ સંવત ૧૯૫૬ (વર્ષ ૧૮૯૯)માં દેશભરનાં શહેર-ગામડાઓને ભરખી ગયેલ છપ્પનિયા દુષ્કાળમાં ટૂંકી આર્થિક વ્યવસ્થા વચ્ચે નાગરિકોને ટકાવી રાખવાના હતા ત્યારે ગાયકવાડ રાજ્યે પ્રજાને પોષણયુક્ત ખોરાક આપ્યો અને સારવારની કાળજી ભગવાન ઉપર છોડી. વિશ્વકોષ નોંધે છે કે, દેશભરમાં સહુથી ઓછો મૃત્યુદર ગાયકવાડી રાજ્યોમાં રહ્યો. આ અભિગમ ૨૧મી સદીમાં હેલ્થ પ્રિન્સીપલ્સ નામે જાણીતો બન્યો છે, જેમાં શરીર માટે આધારભૂત વિટામીન-પ્રોટીન અને મિનરલ સિવાય શરીરમાં કોઈ કેમિકલ ન ઉમેરવાનો ખ્યાલ વિકસ્યો છે. પ્રાકૃતિક આરોગ્યનાં હિમાયતીઓ આહાર એ જ ઔષધનો વિચાર દુનિયા પાસે મૂકી રહ્યા છે અને એ જ તો શરીરમાં રહેલ બેક્ટેરિયાનું સંતુલન જાળવવા પૂરતા છે.

ચરક સંહિતાથી આપણી સંસ્કૃતિમાં આરોગ્ય દુર્લભની સ્થિતિ દર્શાવાઈ છે ત્યારે વ્યક્તિએ વિવેક દાખવી, થોડી સહનશક્તિ ધારણ કરી શરીરને યોગ્ય ખોરાક સાથે જોડીને પૂરક ઔષધિઓ માટે સ્વસ્થ રહેવું ઘટે. યાદ રહે દવા સ્વયં બીજો રોગ બની શરીરમાં ઉતરે છે. યાદ રહે નિષ્ણાત ડૉક્ટરો દર્દી માટે ઓછામાં ઓછી દવા લખી આપનાર હોય છે. યાદ રહે મોંઘી દવા એટલે રોગનો શ્રેષ્ઠ ઈલાજ એવી બજારૂ માન્યતા ભ્રમ છે. યાદ રહે સહજ સ્વાસ્થ્ય કદી ખર્ચાળ હોતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top