સુરત: મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA)ની કામગીરીને ભારે અસર કરી છે. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા ઉપરાંત ભારે વરસાદને પગલે એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં પાણી ભરાયા છે, જેના પરિણામે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. ભારે વરસાદ અને ઓછી દૃશ્યતાને કારણે અનેક ફ્લાઇટ્સને મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની મંજૂરી ન મળતાં નજીકના શહેરો તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ખાસ કરીને, પાંચ ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી, જેમાં દિલ્હી-મુંબઈ, ભુવનેશ્વર-મુંબઈ, સ્પાઇસ જેટની દુબઈ-મુંબઈ, સ્પાઈસ જેટની મુંબઈ-કંડલા અને ઇન્ડિગોની વડોદરા-મુંબઈ ફ્લાઇટનો સમાવેશ થાય છે. અન્ય ફ્લાઇટ્સને અમદાવાદ અને હૈદરાબાદ તરફ પણ ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઈમાં સતત ભારે વરસાદને કારણે શહેરના ઘણાં ભાગોમાં પાણી ભરાયા છે, જેની અસર એરપોર્ટના રનવે અને ઓપરેશનલ એરિયા પર પણ જોવા મળી છે.
ભારે વરસાદ અને ફ્લાઇટ્સના ડાયવર્ઝન તેમજ રદ થવાને કારણે મુસાફરોને નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર લાંબી કતારો અને મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ઘણાં મુસાફરોને તેમની ફ્લાઇટના નવા સમય અથવા ડાયવર્ટ થયેલા સ્થળો વિશે માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. એરલાઇન્સે મુસાફરોને ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવા અને એરપોર્ટ પર વહેલા પહોંચવા અપીલ કરી છે.
મુંબઈમાં વરસાદને પગલે બે ટ્રેન રદ કરવામાં આવી
મુંબઈમાં ભારે વરસાદને કારણે દિલ્હી-મુંબઈ રેલ વ્યવહાર પર અસર પડી હતી. મુસાફરોને ભારે હાલાકી, અનેક ટ્રેનો મોડી પડી, કેટલીકને ટૂંકાવવામાં આવી, કેટલીકનો રૂટ બદલવો પડ્યો હતો.
અસરગ્રસ્ત ટ્રેનોની યાદી રદ થયેલી ટ્રેનો:-
- 59040 વાપી-મુંબઈ પેસેન્જર
- 59023 મુંબઈ-વલસાડ પેસેન્જર ટૂંકાવાયેલી ટર્મિનેટેડ ટ્રેનો
- 12934 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ બોરીવલી ખાતે ટર્મિનેટેડ
- 59046 વલસાડ-વિરાર પેસેન્જર પાલઘર ખાતે ટર્મિનેટેડ
- 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ બોઇસર સુધી ચલાવવામાં આવી મોડી પડેલી / રિશેડ્યુલ ટ્રેનો
- 12965 બાંદ્રા-ભુજ 2 કલાક 15 મિનિટ મોડી
- 19217 બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસ 1 કલાક 35 મિનિટ મોડી
- 22474 બાંદ્રા-બિકાનેર એક્સપ્રેસ 50 મિનિટ મોડી
- 12480 બાંદ્રા-જોધપુર એક્સપ્રેસ 3 કલાક 30 મિનિટ મોડી
- 20484 દાદર-ભગત કી કોઠી 1.30 કલાક રિશેડ્યુલ
- 20907 દાદર-ભુજ એક્સપ્રેસ 2.25 કલાક રિશેડ્યુલ
- 12979 બાંદ્રા-જોધપુર એક્સપ્રેસ 1.25 કલાક રિશેડ્યુલ
- 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ 1.25 કલાક રિશેડ્યુલ
- 12931 મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ 3.25 કલાક રિશેડ્યુલ
- 12921 મુંબઈ-સુરત ફ્લાઈંગ રાની એક્સપ્રેસ 15 મિનિટ રિશેડ્યુલ રૂટ ફેરફાર
- 16508 સિકંદરાબાદ-જોધપુર એક્સપ્રેસ
- 22943 દાઉદ-ઇન્દોર એક્સપ્રેસ (આ બંને ટ્રેનને દાઉદ, મનમાડ, જલગાંવ, પાલધી, સુરત થઈને ચલાવવામાં આવી)
સુરતમાં ડાયવર્ટ થયેલી ફ્લાઇટ્સ
એરલાઇન્સ ફ્લાઇટ
ઇન્ડિગો દિલ્હી – મુંબઈ
સ્પાઇસજેટ દુબઈ – મુંબઈ
ઇન્ડિગો વડોદરા – મુંબઈ
ઇન્ડિગો ભુવનેશ્વર – મુંબઈ
સ્પાઇસજેટ મુંબઈ – કંડલા