SURAT

32 કરોડના હીરાની ચોરી કંપનીના માલિક ડી.કે.મારવાડીએ જ કરાવી હતી

સુરતઃ ગત 17મીના રોજ કાપોદ્રા વિસ્તારની ડી.કે.સન્સ કંપનીમાં 32 કરોડના હીરાની ચોરી થયાનો બનાવ બન્યો હતો. જો કે, પોલીસ તપાસમાં આ ચોરીની ફરિયાદ ખોટી નીકળી છે અને ફરિયાદીએ જ ચોરી કરાવી હોવાનું બહાર આવ્યું છે. 10 લાખ રૂપિયા આપી ફરિયાદીએ જ ચોરી કરાવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીની પોલીસે અટક કરી છે.
મળતી માહિતી મુજબ ગત 17 ઓગસ્ટ એટલે કે રવિવારની રાત્રે જ ડી.કે.સન્સ કંપનીમાં 32 કરોડના હીરાની ચોરીનો કેસ સામે આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર દેવું વધી જતાં વીમો પકવવા માટે કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ આ ચોરી કરાવી હતી. તેણે દસ દિવસ પહેલા જ ઇન્સ્યોરન્સ રિન્યૂ કર્યો હતો. આ સાથે જ કંપનીમાં ઘૂસવા માટે ચોરો દ્વારા એક પણ તાળું તોડવામાં ન આવ્યું હતું. આ બે મુખ્ય બાબતોના કારણે પોલીસને તેના પર શંકા ગઇ હતી. ચોરીના આ નાટકમાં ફરિયાદીએ તેના બંને દીકરાઓ અને ડ્રાઇવરને પણ સામેલ કર્યાં હતા. કંપનીમાં ચોરીની ઘટના બાદ એક પુત્ર હાજર હતો. જ્યારે બીજો પુત્ર જોવા પણ મળ્યો ન હતો. જે પાંચ લોકો બે રિક્ષામાં ચોરી કરવા આવ્યા હતા, તેમાં પુત્ર પણ સીસીટીવીમાં જોવા મળ્યો હતો.

આ હતી ઘટના ડી.કે.સન્સ એન્ડ કંપનીમાં 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીને લઈને ત્રણ દિવસની રજા રાખવામાં આવી હતી. દરમિયાન 15મી ઓગસ્ટના રોજ બપોરના સમયે દેવેન્દ્રકુમાર ચૌધરી પોલિશ્ડ અને રફ હીરાઓને પોતાની ઓફિસમાં રહેલી તિજોરીમાં મૂકીને ઘરે જવા નીકળ્યા હતા. ત્યાર બાદ 18 ઓગસ્ટના રોજ સવારે તેમની હીરાની કંપનીમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તસ્કરોએ તિજોરીને ગેસકટરથી કાપીને 32.6 કરોડના હીરા અને રોકડ ચોરી કરી હતી. — 8 જેટલા પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ સહિત 8 જેટલી પોલીસે આખું શહેર ફંડોળ્યું હતું.પોલીસે 85 જેટલા સીસી ટીવી ચેક કર્યા હતા.આખરે ચોરીનો ભેદ ઉકેલવામાં શહેર પોલીસને સફળતા મળી છે.

એક રિક્ષા ગોડાદરા તરફ અને બીજી સ્ટેશન તરફ ગઇ હતી, એક ટીમ રાજસ્થાન રવાના

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચોરી ઘટનાને અંજામ આપ્યા બાદ 5 લોકો બે રિક્ષામાં બેસી ગયા સીસી ટીવીમાં દેખાયા હતા. જ્યાં એક રિક્ષા ગોડાદરા તરફ ગઈ હતી અને બીજી સુરત સ્ટેશન તરફ ગઈ હતી.ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોડાદરા તરફ ગયેલી રિક્ષામાં બેઠેલા બે લોકોને ઓળખ કરી પકડી લીધા હતા.બન્ને પૂછપરછમાં ફરિયાદીનું નામ બહાર આવ્યું હતું. બંને ગેસ કટર સહિત ચોરેલો માલ પણ સાથે એક થેલામાં લઈ ગયા હતા. બીજી રિક્ષામાં બેસેલા 3 અન્ય લોકો રાજસ્થાન તરફ ગયા હોવાનું જાણ થતા એક ટીમ રાજસ્થાન તરફ રવાના થઈ હતી.

ચોરી કરાવવા 10 લાખ નક્કી થયા હતા

ચોરી માટેનું આ એક તરકટ રચવામાં આવ્યું હતું. તેના માટે પાંચ લોકોને આ ચોરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચોરી માટે દસ લાખ રૂપિયા આપવાના હતા. જે પૈકી ચોરીનું નાટક કરવા આવ્યા ત્યારે તેમને પાંચ લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા છે. જ્યારે બીજા પાંચ લાખ હજુ આપવાના બાકી હતા.

કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર 300 કરોડ છે

જે સુરતમાં ડીકે મારવાડી તરીકે ઓળખાય છે. આ સાથે જ તેઓ વરાછાના ખોડિયારનગર રોડના સૌથી મોટા હીરા વેપારી છે. કાઠીયાવાડી વિસ્તારમાં કાઠીયાવાડી હીરા વેપારીઓની વચ્ચે છેલ્લા 20 વર્ષથી હીરાની કંપની ચલાવે છે. ડી.કે.સન્સ કંપનીનું મુંબઈ અને વિદેશમાં મોટું કામ છે અને તેમનું અંદાજિત વાર્ષિક 300 કરોડનું ટર્નઓવર છે.

આ મુદ્દાઓથી ડી. કે મારવાડી શંકાના દાયરામાં આવ્યો

  1. 300 કરોડનું ટર્નઓવર હોવા છતાં પણ બિલ્ડિંગમાં CCTVનો અભાવ
  2. કરોડોના હીરાની લેવડદેવડ છતાં પણ રજાના દિવસે સિક્યુરિટી ગાર્ડ ન હતા.
  3. ૩. કંપનીનો મુખ્ય દરવાજાનું તાળું તૂટ્યું ન હતું ચાવીથી ખોલવામાં આવ્યું હતું
  4. આઠ દિવસ પહેલા જ તાળું ખરીધું હતું.
  5. દસ દિવસ પહેલા જ વીમો રીન્યુ કરાયો હતો.
  6. ચોરોને કંપનીની અંદર રહેલા તમામ CCTV અને DVR અંગે જાણ હતી.

Most Popular

To Top