SURAT

મેટ્રો રેલ: ચોકથી સ્ટેશન સુધીની અંડર ગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ

સુરત: શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલના કામની કાચબા ગતિથી શહેરીજનો પરેશાન છે અને પ્રોજેકટ એક વર્ષથી વધુ સમય મર્યાદામાં ડીલે ચાલી રહ્યો છે. ત્યારે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ ચોક બજારથી સ્ટેશન ખાતે ડાઉનલાઈન ટનલનું બ્રેકથ્રુ સફળતાપૂર્વક પૂર્ણ થયું હોવાની જાહેરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરાઇ છે તેમજ હવે અપલાઇનનું કામ પણ ટૂંક સમયમયાં પુરું થવાની શકયતા હોય રાજમાર્ગના વેપારીઓમાં બે વર્ષ બાદ દિવાળી પછી ધંધા રોજગાર પુન: ધબકતા થવાની આશા બંધાઇ છે. આ કોરીડોર મેટ્રો રેલના ઉત્તર-દક્ષિણ કોરિડોરને ડ્રીમ સિટી, ડાયમંડ બુર્સ અને સરથાણા જેવા મુખ્ય વિસ્તારો સાથે જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ચોક બજાર સ્ટેશન ખાતે ડાઉનલાઈન ટનલનું બ્રેકથ્રુ એ સુરત મેટ્રો પ્રોજેક્ટની ભૂગર્ભ કામગીરીમાં એક મહત્ત્વનો સીમાચિન્હ છે. આ પહેલાં સુરત રેલવે સ્ટેશન અને કાપોદ્રા વચ્ચે અપલાઈન અને ડાઉનલાઈન બંને ટનલનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને હવે ચોક બજાર ખાતે ડાઉનલાઈન ટનલનું કામ પૂર્ણ થયું છે. સમાંતર અપલાઈન ટનલનું નિર્માણ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની શકયતા છે. આ ભૂગર્ભ ટનલનું નિર્માણ શહેરના ધમધમતા ટ્રાફિક, જૂના કોટ વિસ્તારના ગીચ રહેણાંક અને વ્યાપારી મકાનો તેમજ જટિલ ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિઓ વચ્ચે એક પડકારજનક કાર્ય હતું. આ સફળતા શહેરના જૂના વિસ્તારોમાં આધુનિક મેટ્રો સુવિધા પૂરી પાડવાની દિશામાં મહત્વનું પગલું ગણાય છે.

અત્રે ઉલ્લખનીય છે કે, ચોક બજાર, મસ્કતી હોસ્પિટલ અને સુરત રેલવે સ્ટેશન સુધીના ભૂગર્ભ ટનલ અને મેટ્રો સ્ટેશનોનું નિર્માણ મેસર્સ જે. કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા ૯૪૨.૧૬ કરોડ રૂપિયાના કરાર હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીની સફળતા માટે શ્રીમતી શાલિની અગ્રવાલ (કમિશનર, સુરત મહાનગરપાલિકા), સંજય ગુપ્તા (જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર, GMRC), નરેન્દ્રકુમાર લોહિયા (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર), દલજીત સિંહ (કન્સલ્ટન્ટ એન્જિનિયર) અને રાજન શર્મા (વાઇસ પ્રેસિડેન્ટ, જે. કુમાર)ની ઉપસ્થિતિમાં આ બ્રેકથ્રુ સમારોહ યોજાયો હતો.

સુરત મેટ્રો પ્રોજેક્ટની વિગતો

 સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ કુલ ૪૦.૩૫ કિ.મી. લાંબો છે, જેમાં બે કોરિડોર અને ૩૮ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ શહેરના ચારેય દિશાઓને જોડીને ટ્રાફિક ભીડ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવે છે.
 કોરિડોર-૧ (ડાયમંડ કોરિડોર): આ કોરિડોર ઉત્તર-દક્ષિણ દિશામાં સરથાણાથી ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સ સુધી ૨૧.૬૧ કિલોમીટરની લંબાઈ ધરાવે છે, જેમાં ૨૦ મેટ્રો સ્ટેશનો આવેલા છે. આમાં ૧૫.૧૪ કિલોમીટર એલિવેટેડ (વાયડક્ટ) અને ૬.૪૭ કિલોમીટર ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) ટનલનો સમાવેશ થાય છે. ભૂગર્ભ વિભાગમાં ૬ સ્ટેશન—ચોક બજાર, મસ્કતી હોસ્પિટલ, સુરત રેલવે સ્ટેશન, સેન્ટ્રલ વેરહાઉસ, લાભેશ્વર ચોક અને કાપોદ્રા—આવેલા છે.
 કોરિડોર-૨ (ટેક્સટાઈલ કોરિડોર): આ કોરિડોર પૂર્વ-પશ્ચિમ દિશામાં ભેસાણથી સારોલી સુધી ૧૮.૭૪ કિલોમીટરની લંબાઈ ધરાવે છે, જેમાં ૧૮ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે.
 આ બંને કોરિડોર મજુરા ગેટ મેટ્રો સ્ટેશન ખાતે જંકશન સ્ટેશન તરીકે જોડાય છે, જે મુસાફરોને એક કોરિડોરથી બીજા કોરિડોરમાં સરળતાથી સ્થળાંતર કરવાની સુવિધા પૂરી પાડશે. આ વ્યવસ્થા શહેરના વિવિધ વિસ્તારોને અવિરત જોડાણ પૂરું પાડી, પરિવહનને વધુ સુગમ બનાવશે.

Most Popular

To Top