બાકરોલના તળાવ પર મોર્નિગ વોક કરવા ગયા તે સમયે અજાણ્યા શખસો તુટી પડ્યા
આણંદ.
આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મંગળવારના રોજ વ્હેલી સવારે બાકરોલ તળાવ પર વોક કરવા નિકળ્યાં હતાં. તે સમયે અજાણ્યા શખસોએ તિક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી તેમની ઘાતકી હત્યા કરી હતી. આ ઘટનાના પગલે વિદ્યાનગર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને હત્યારાનું પગેરૂ શોધવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.
આણંદના બાકરોલ ગામના સામરખા મહોલ્લામાં રહેતા ઇરફાનહુસેન યુસુફમીયાં મલેકનો નાનો ભાઇ ઇકબાલહુસેન ઉર્ફે બાલો મલેક આણંદ નગરપાલિકામાં કોંગ્રેસના મેન્ડેટ પર કાઉન્સિલર રહી ચુક્યા છે. ઇકબાલહુસેન નિયમિત સવારના સાત વાગે બાકરોલના તળાવ પર વોક વે પર વોકીંગ કરવા જતાં હતા અને આઠેક વાગે પરત આવતાં હતાં. જે મુજબ 19મીને મંગળવારના રોજ પણ સવારના સાત વાગે બાકરોલ – વડતાલ રોડ પર આવેલા ગોયા તળાવ પર ટુ વ્હીલર લઇને વોકિંગ કરવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે, ઇકબાલ પર હુમલો થયો છે.
આથી, ઇરફાનહુસેન સહિત પરિવારજનો તાત્કાલિક તળાવ પર પહોંચ્યાં હતાં. જોયું તો તળાવના વોક વે પર રામપુરાવાળી ચોકડીથી બાકરોલ દુધની ડેરી તરફ જવાના રસ્તાથી તળાવના કિનારે વોક વે પર ઇકબાલનો મૃતદેહ પડેલો હતો. તેના ગળા, પેટ પર કોઇએ તિક્ષ્ણ હથિયારથી ઘા મારેલાં હતાં અને આંતરડા પણ બહાર આવી ગયાં હતાં. આ ઉપરાંત ગળાનો ડાબી બાજુનો ભાગ કપાયેલો હતો અને પુષ્કળ લોહી નિકળતું હતું. આ અંગે 108ને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. પરંતુ મૃત પામેલા જાહેર કર્યાં હતાં.
આ અંગે વિદ્યાનગર પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર. ગોહિલ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહની બાજુમાં એક જોડ ચંપલ પડેલાં હતાં. જે હુમલાખોરના હોવાનું જણાયું હતું. આમ, સાતથી સાડા આઠેક વાગ્યાના અરસામાં ઇકબાલહુસેન ઉર્ફે બાલો યુસુફમીયાં મલેકને અજાણ્યા શખસોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું જણાયું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે ઇરફાનહુસેનની ફરિયાદ આધારે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.