દરવાજા પર જ કડક ચેકિંગ પર્સ અને ખિસ્સાની તપાસ બાદ જ પ્રવેશ
પાન મસાલા, ગુટખા, સિગરેટ મળી આવ્યા તો સ્થળ પર જ નાશ
બાગની અંદર નશો કરતા ઝડપાતા 50 થી 500 રૂપિયાનો દંડ


વડોદરા શહેરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોનો ખાસ અમલ શહેરના મધ્ય સ્થાને આવેલા પ્રખ્યાત સયાજી બાગમાં કરવામાં આવી રહ્યો છે. બાગમાં આવનારા પર્યટકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે કે તેઓ સાથે પાન, પડીકી, ગુટખા, સિગરેટ, બીડી જેવા કોઈપણ પ્રતિકારક નશીલા પદાર્થો અંદર લઈ જઈ શકશે નહીં.

બાગના મુખ્ય દરવાજા પર જ નિયુક્ત સિક્યુરિટી ગાર્ડો પર્યટકોના ખિસ્સા તેમજ પર્સની તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન પાન મસાલા, ગુટખા, તમાકુ કે સિગરેટ મળશે તો તેનો તાત્કાલિક સ્થળ પર નાશ કરી દેવાઈ રહ્યો છે. વધુમાં, બાગની અંદર જો કોઈ વ્યક્તિ સિગરેટ, તમાકુ કે પાન પડીકીનું સેવન કરતા ઝડપાશે તો તેના સામે ₹50 થી ₹500 સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
સ્વચ્છતા અભિયાનને લઈને બાગની અંદર દરેક સ્થળે સૂચનાત્મક બેનરો મૂકવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં, બાગના વિવિધ ભાગોમાં સ્પીકરો મારફતે સતત અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવે છે કે – “બાગમાં કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં, કચરો ફેંકવો નહીં અને કચરો માત્ર કચરાપેટીમાં જ નાખવો.”
પાલિકાની આ કાર્યવાહીથી છેલ્લા એક સપ્તાહમાં જ ચાર મોટા કોથળા પાન મસાલા, ગુટખા અને સિગરેટના પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે. સિક્યુરિટી ગાર્ડો દ્વારા આવા પદાર્થોને સીલ કરીને નાશ કરવામાં આવી રહ્યો છે

શહેરના નાગરિકો તેમજ પર્યટકો માટે આ નિયમો કડક હોવા છતાં બહોળા પ્રમાણમાં સહકાર મળશે તેવી પાલિકા તરફથી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સ્વચ્છતા અભિયાન હેઠળ વડોદરા શહેરને વધુ સુંદર, સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા માટેનો આ પ્રયાસ પાલિકાનો મહત્વપૂર્ણ પગલું ગણાવી શકાય.