Business

યુવાનો મોબાઈલની લત છોડે તે માટે સુરતમાં બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટનું આયોજન

સુરત: વેસુમાં આજે તા. 18 ઓગસ્ટથી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન કરવામાં આવ્યું છે. બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળીને કુલ 132 ટીમો સામેલ છે. કુલ 2600 સ્ટુડન્ટ્સ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે. ટુર્નામેન્ટનું આયોજન વેસુ સ્થિત સી. બી. પટેલ ક્રિકેટ એન્ડ ફુટબોલ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે.

  • બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે
  • પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળીને કુલ 132 ટીમો સામેલ
  • ટૂર્નામેન્ટમાંથી થનારી આવક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે

ટૂર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપતાં ચેરમેન અને કોલેજના ટ્રસ્ટી કમલેશ ડી. પટેલે જણાવ્યું કે યુવાનો મોબાઈલની લત છોડી સ્પોર્ટ્સ રમતા થાય તે માટે છેલ્લાં ત્રણ વર્ષથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. આ વર્ષે પિકલ બોલ ટુર્નામેન્ટનો ઉમેરો કરાયો છે. સિઝન 1 અને 2ની ભવ્ય સફળતા બાદ આ વખતે ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત વેસુમાં 18 ઓગસ્ટથી થઈ છે.

ટુર્નામેન્ટ દરમિયાન બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 ટીમો મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળી 132 ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ડી.સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસ સ્થિત 6 કોલેજોના 2600થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ફાઇનલમાં વિજેતા અને ઉપ-વિજેતા ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે.

કમલેશ પટેલે વધુમાં જણાવ્યું કે, આ ટૂર્નામેન્ટનો ઉદ્દેશ દક્ષિણ ગુજરાતના આંતરિયાળ વિસ્તારોના ગામડાઓની શાળાઓમાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પહોંચાડવાનો છે. ટૂર્નામેન્ટમાંથી જે પણ આવક થશે તેમાં વધારાની રકમ ઉમેરીને બાળકો માટે શિક્ષણ કિટ ખરીદવામાં આવશે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ પંકજભાઈ જી. પટેલ ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top