NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી થઈ ગયું છે. સીપી રાધાકૃષ્ણન NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આ માહિતી આપી છે. નડ્ડાએ કહ્યું, “પીએમ મોદીની હાજરીમાં સંસદીય બોર્ડની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”
મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચેની બેઠકમાં આ અંગે સંમતિ સધાઈ હતી. નડ્ડાએ એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. રાધાકૃષ્ણન 21 ઓગસ્ટે પોતાનું નામાંકન દાખલ કરશે. આ દરમિયાન NDA શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન 9 સપ્ટેમ્બરે થશે. મતગણતરી પણ તે જ દિવસે થશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. 25 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાય છે. જગદીપ ધનખરે 21 જુલાઈની રાત્રે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 74 વર્ષીય ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2027 સુધીનો હતો.