Vadodara

સ્ક્રુટીની કમિટી સામે પગલાં મુદ્દે ડૉ. શીતલ મિસ્ત્રીનો સપોર્ટ ન મળતાં સભ્યોમાં નારાજગી

ફાયર વિભાગ સાધન ખરીદી ભ્રષ્ટાચારમાં ટેન્ડર કમિટીની જવાબદારી નક્કી કરવા માંગ

ટેન્ડરની સ્ક્રુટીની બેઠક બ્રિજ વિભાગના તત્કાલીન હેડ રવિ પંડ્યાના અધ્યક્ષ સ્થાને મળી હતી

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ પૂર્વે યોજાયેલી સંકલન બેઠકમાં ફાયર વિભાગના સાધનોની ઊંચી કિંમતે થયેલી ખરીદીનો મુદ્દો ફરી ઉછળ્યો હતો. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ મામલે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. હવે સ્થાયી સભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ ખરીદી માટે ટેન્ડર સ્ક્રુટીની કમિટીની સંપૂર્ણ જવાબદાર છે અને કમિટી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. સભ્યોએ આક્ષેપ કર્યો કે કમિટીએ સાધનોની ખરીદી વખતે કિંમત અને દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કેમ ન કરી. જો ચકાસણી થઈ હતી તો તેમાં ખામી કેવી રીતે રહી અને તેના માટે કમિટીના સભ્યો જવાબદાર કેમ ન ગણાય. આ ટેન્ડરની સ્ક્રુટીની બેઠક બ્રિજ વિભાગના તત્કાલીન હેડ રવિ પંડ્યાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી. રવિ પંડ્યાએ તાજેતરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે.

વધુમાં, તાજેતરમાં સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ રાત્રે કોર્પોરેશનની કચેરી બંધ થયા બાદ ફાયર વિભાગમાં ખરીદાયેલા સાધનો જોવા મંગાવ્યા હતા, જેના કારણે વિવાદ ઊભો થયો હતો. સંકલન બેઠકમાં આજે સ્ક્રુટીની કમિટી પર કાર્યવાહી મામલે ડૉ. શીતલ મિસ્ત્રીએ સમર્થન આપ્યું ન હોવાથી ચર્ચાઓ તેજ બની છે.

હું આ વિષય પર કોઈ વાત કરવા માંગતો નથી. – રવિ પંડ્યા, અધ્યક્ષ, તત્કાલીન સ્ક્રુટીની કમિટી

Most Popular

To Top