સુરતના રાંદેર ઝોનના રામનગર વિસ્તારમાં આવેલા પાકિસ્તાની મહોલ્લાનું નામ સત્તાવાર રીતે બદલાયું છે. આ મહોલ્લાનું નામ હિન્દુસ્તાની મહોલ્લા કરવામાં આવ્યું છે. નવા નામની તકતીનું આજે તા. 14 ઓગસ્ટે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે અનાવરણ કરાયું છે.
પૂર્ણેશ મોદીની ભલામણને પગલે જ આ મહોલ્લાનું નામ પાકિસ્તાની મહોલ્લાથી બદલી હિન્દુસ્તાની મહોલ્લા કરાયું છે. પૂર્ણેશ મોદીએ કહ્યું કે, વર્ષ 2018માં સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને આ વિસ્તારનું નામ બદલવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રના અનુસંધાને 17 ડિસેમ્બર, 2018ના રોજ, સમિતિએ ઠરાવ નંબર 38/2018 દ્વારા ‘પાકિસ્તાની મહોલ્લા’નું નામ બદલી ‘હિન્દુસ્તાન મહોલ્લા’ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને આજે સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે.
પૂર્ણેશ મોદીએ વધુમાં કહ્યું કે, આ મહોલ્લો આજથી ‘હિન્દુસ્તાન મહોલ્લા’ તરીકે ઓળખાશે. આ મહોલ્લામાં વસતા નાગરિકોના રેશનકાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં પણ જૂના નામની જગ્યાએ નવું નામ ચઢાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરાશે. આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ખુશી અને ગર્વની લાગણી જોવા મળી રહી છે અને આ પગલાથી તેમની રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.