સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર (Corporator) અને સુરત શહેર કોંગ્રેસમાં વિવિધ પદ પર કામ કરી ચુકેલા દિનેશ કાછડિયાએ (Dinesh Kachadiya) સોમવારે પક્ષને પોતાનું રાજીનામું ધરી દીધું. કાછડિયાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પત્ર લખી આ અંગેની જાણ કરી. તેમણે જણાવ્યું કે પાંચ વખત અલગ અલગ સ્તરે ચૂંટણી લડવાનો કોંગ્રેસ પક્ષે તેમને અમૂલ્ય અવસર આપ્યો પરંતુ છેલ્લી ચૂંટણી લડ્યા પછી તેમને મળેલી હારના પરિણામો જોઈને એવું લાગ્યું કે તેમની કંઈક કચાસ રહી ગઈ અને પાર્ટીને તેના પ્રમાણમાં તેઓ પરત આપી શક્યા નથી. તેથી તેઓ રાજીનામું આપી રહ્યાં છે. જણાવી દઈએ કે દિનેશ કાછડિયા આ વખતે મહાનગર પાલિકાની ચૂંટણીમાં વરાછા વિસ્તારમાંથી ઉમેદવાર હતાં.
કાછડિયાએ પત્રમાં શું લખ્યું?
દેશની આઝાદીની લડાઈ સાથે જોડાયેલી એતિહાસિક કોંગ્રેસ (Congress) પાર્ટીએ મારા રાજનીતિક જીવનને ઘણું બધું આપ્યું છે. પાંચ વખત અલગ અલગ સ્તરે ચૂંટણી લડવાનો મને અમૂલ્ય અવસર આપ્યો, સાથે સંગઠનમાં વિવિધ પદ આપીને કામ કરવાનો મોકો આપ્યો. કોંગ્રેસ પાર્ટી તરફથી છેલ્લી ચૂંટણી લડ્યા પછી મને મળેલી હારના પરિણામો જોઈને દિલથી એવું લાગ્યું કે આ પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકીને જે તકો આપી તેના પ્રમાણમાં મારી કંઈક કચાસ રહી ગઈ અને પાર્ટીને તેના પ્રમાણમાં હું પરત આપી શક્યો નથી. આથી હું કોંગ્રેસના તમામ પદ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું જાહેર કરું છું.
સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં જ્યાંથી વર્ષ 2015માંથી કોંગ્રેસ જીતી હતી ત્યાં આ વખતે આમ આદમી પાર્ટીએ સુપડા સાફ કરી દીધા છે. જો કે કોંગ્રેસના ઉમેદવારોને આ વાતનો અંદાજ કદાચ અગાઉથી જ હતો. એટલે જ જેવી મતગણતરી શરૂ થઇ હતી કે તુરંત કોંગ્રેસના સીટિંગ નગર સેવક નિલેશ કુંભાણી તેમજ દિનેશ કાછડીયાએ પોતાના સમર્થકોને કહી દીધું હતું કે, જે રીતે આમ આદમી પાર્ટીના મતો નિકળે છે તે જોતાં આપણા વોર્ડમાં આપણે હારીએ તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પરિણામના દિવસે કોંગ્રેસના ઘણા ઉમેદવારોએ આમ આદમીને આગળ નીકળતી જોઇને મતગણતરી પુરી થાય તે પહેલા જ મતગણતરી કેન્દ્રો છોડી દીધા હતા.
બાબુ રાયકાએ શહેર પ્રમુખપદેથી પહેલાં જ રાજીનામું આપી ચુક્યા છે
સુરત મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની એટલી નાલેશીભરી હાર થઈ છે કે કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી. કોંગ્રેસની આ શરમજનક હારને પગલે સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ પરિણામના દિવસે 23 ફેબ્રુઆરીએ જ રાજીનામું કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મોકલી આપ્યું હતું. પોતાના રાજીનામાં બાબુ રાયકાએ કોંગ્રેસને મળેલી હારને પગલે પોતાની જવાબદારીનો સ્વીકાર કરી રાજીનામું આપ્યું હતું.