Comments

રિઝર્વ બૅન્ક મોનિટરી પૉલિસી કમિટી-ઑગસ્ટ, ૨૦૨૫ : નિરાશાના સૂર સાથે અર્થતંત્ર માટે આશાવાદ વ્યક્ત કરવાનો એક પ્રયત્ન

ભારતીય રિઝર્વ બૅન્કની મોનિટરી પૉલિસી કમિટી (MPC) દર ત્રણ મહિને મળે છે અને ભારતીય અર્થવ્યવસ્થાના પ્રવર્તમાન પ્રવાહો, તેને કારણે ઊભી થતી તકો તેમજ પડકારો અંગે છણાવટ કરી આવનાર સમય માટે દેશની નાણાંકીય વ્યવસ્થા અને બૅન્કિંગ સેક્ટરની સાથોસાથ દેશની અર્થવ્યવસ્થાના અંતરંગ પ્રવાહો ઉપર આધારિત જીડીપી વૃદ્ધિદર અંગેની ધારણા પણ આ કમિટીની મિટિંગમાં પહેલે દિવસે ચર્ચામાં મૂકાય છે. બીજે દિવસે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર પહેલા દિવસ દરમિયાન થયેલી ચર્ચાઓ ઉપર આધારિત પોતાનાં મંતવ્યો તેમ જ તારણો રજૂ કરે જે બાબતે મોનિટરી પૉલિસી કમિટીના સભ્યશ્રીઓ હકાર અથવા નકા૨માં પોતાના મત આપે છે.

૫-૬ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ રિઝર્વ બૅન્કની મોનિટરી પૉલિસી કમિટીની મિટિંગ મળી ગઈ. તેણે તારવેલા મુદ્દાઓ તેમજ નિર્ણયો બાબતે નીચે મુજબની વિગતો આપી શકાયઃ ગઈ મોનિટરી પૉલિસી કમિટી મિટિંગ દ્વારા રેપોરેટ ૫૦ બેઝિસ પોઇન્ટ એટલે કે ૦.૫ ટકો ઘટાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિશ્વફલક ઉપર જે ઘટનાઓ ઘટી તેમાં અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ૨૫ ટકા ટેરિફ વત્તા દંડ મુખ્ય મુદ્દો રહ્યો હતો. તે ઉપરાંત રશિયા પાસેથી ભારતને ક્રૂડ ઑઈલ ખરીદવા ઉપરનો પ્રતિબંધ આવો જ બીજો એક સળગતો મુદ્દો હતો. રશિયન ક્રૂડ ઑઇલ ભારતને વિશ્વબજારની સરખામણીમાં ૩૦થી ૩૫ ટકા સસ્તું પડે છે અને એ કારણે ભારતની કુલ ૫૦ અબજ બેરલની ક્રૂડ ઑઇલ આયાતમાંથી ૪૦ ટકા એટલે કે ૨૦ અબજ બેરલ જેટલું ક્રૂડ ઑઇલ માત્ર રશિયા પાસેથી આયાત થાય છે.

જુલાઈ, ૨૦૨૫ના સ્ટેટેસ્ટિક્સ પ્રમાણે અમેરિકા પાસેથી ૮ ટકા અને ઇરાન, સાઉદી અરેબિયા તેમજ અન્ય પાસેથી બાકીનું ક્રૂડ ઑઇલ ભારત આયાત કરે છે. હવે એક બાજુ રશિયાનું સસ્તું ક્રૂડ મળતું બંધ થાય અને બીજી બાજુ વિશ્વબજારમાં ક્રૂડ ઑઇલના ભાવ ઊંચકાય તો ભારતીય અર્થવ્યવસ્થા પર ઊર્જાના ઊંચા ભાવ તેમ જ વિદેશી હૂંડિયામણની વધારાની જરૂરિયાત બંને પરિબળોને કારણે મોટો બોજો આવી શકે. આ સાથે ભારત સુદાન પાસેથી ૧૦ અબજ બેરલ ક્રૂડની આયાત કરશે એ સમાચાર રાહતદાયક છે.

૨૦૨૫-૨૬ દરમિયાન અમેરિકન ક્રૂડ જે આપણને મોંઘું પડે છે તેની આયાતો ૧૫૦ ટકા વધશે તેવો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનો અંદાજ છે. આ બંને પરિબળોને કારણે ભારતના જીડીપીમાં વૃદ્ધિદર દબાણમાં આવે. આ કારણથી મોનિટરી પૉલિસી કમિટીએ સર્વાનુમતે નિર્ણય લીધો તે મુજબ – (અ) અપેક્ષા મુજબ રેપોરેટ ૫.૫૦ ટકાએ સ્થિર રહે છે, (બ) પૉલિસી સ્ટાન્સ (ન્યૂટ્રલ), (ક) ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષ માટેનો અંદાજીત જીડીપી વૃદ્ધિદર ૬.૫ ટકા, (ડ) ફુગાવાનો અંદાજ દર જૂનમાં ૬.૩ ટકા અંદાજવામાં આવ્યો હતો તે ઘટાડીને ૬.૧ ટકા જે મહદ્ અંશે સારા ચોમાસાના કારણે ખાદ્ય પદાર્થો તેમજ શાકભાજી, ફળોની ઘટી રહેલી કિંમતને આભારી છે.

(ઇ) જોખમરૂપ વૈશ્વિક પરિબળો અંગે અમેરિકન ટેરિફ અને એને કારણે ઊભા થતા વ્યાપાર પ્રવાહોના તણાવો ધ્યાન માગી લે છે. જો કે, રિઝર્વ બૅન્કના મત અનુસાર હાલની વૈશ્વિક પરિસ્થિતિ જેમાં મુખ્યત્વે ટેરિફ, વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલાં યુદ્ધો અને તણાવ તેમ જ વ્યાપાર ક્ષેત્રના આંતરિક તણાવો બધી બાબતો પર નજર રાખી હાલ ઉતાવળે કોઈ પણ નિર્ણય પર આવતાં પહેલાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા – ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અખત્યાર કરે છે. (ફ) સીઆરઆર (કેશ રિઝર્વ રેશિયો) બાબતે કોઈ ફેરફારો નથી.

રિઝર્વ બૅન્કની મોનિટરી પૉલિસી કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉપરોક્ત નિર્ણયોને અનુસંધાને એમ કહી શકાય કે, ‘બૅન્ક તેમજ ધિરાણ લેનારાઓ બંને માટે તાજેતરમાં ‘જૈસે થે’ની પરિસ્થિતિ રહે છે. ફેબ્રુઆરી, ૨૦૨૫ બાદ રેપોરેટમાં ૧૦૦ બીપીએસ એટલે કે ૧ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, તે સંજોગોમાં હાલ આથી વિશેષ કાંઈ થઈ શકે તેવી રિઝર્વ બૅન્કની દલીલ વ્યાજબી ગણાય છે. એ જ રીતે ઘરઆંગણાની માંગ (વપરાશ અને રોકાણ)ને કારણે ટેરિફવધારો ઝીંકાવાથી નિકાસ વ્યાપાર માટે ઘટાડો થશે તેને પૂરતું બફર મળી રહેશે એવી આશાએ ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષ દરમિયાન જીડીપીનો વૃદ્ધિદર ૬.૫ ટકા અંદાજવામાં આવ્યો છે.

આ વર્ષે દેશમાં ચોમાસું સારું છે એ વાત સાચી પણ દેશનાં આંતિરક બજારોમાં જે રીતે ગ્રાહકની માંગ વધવી જોઈએ તે રીતે વધી નથી રહી, કારણ કે, સરેરાશ બચતો ઘટી રહી છે અને એને કારણે માથાદીઠ વાપરવાલાયક આવક એટલે કે, ‘પર કેપિટા પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ’ ઘસાઈ રહી હોવાનું વલણ અત્યારે જોવા મળે છે, તેની સાથોસાથ રિઝર્વ બૅન્ક દ્વારા હસ્તક્ષેપ કરાયા છતાં પણ રૂપિયો ડૉલરની સરખામણીમાં નબળો પડી રહ્યો છે એટલે ઘરઆંગણાના વપરાશકાર માટે આયાતો મોંઘી બનવાની (ખાસ કરીને ક્રૂડ ઑઇલ તેમજ ખાદ્ય તેલ અને ફાર્માસ્યુટિકલ એક્ટિવ ઇન્ગ્રીડિયન્સ તેમજ રે૨ અર્થ કોમ્પોનેન્ટ્સ). આની સાથોસાથ સરહદે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને કારણે પણ સુરક્ષા સાધનો તેમજ શસ્ત્રસરંજામ પાછળ અને આર્મી ડિપ્લોયમેન્ટ તેમજ અન્ય વ્યૂહાત્મક સામરીક ખર્ચ વધવાની પૂરી શક્યતા છે.

ભારત વિશ્વમાં શસ્ત્રોની આયાત કરતો સૌથી મોટામાં મોટો દેશ છે. આ બધું જોતાં રિઝર્વ બૅન્કનો આશાવાદ જે મુજબ ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષ દરમિયાન જીડીપી વૃદ્ધિદર ૬.૫ ટકા રહેશે તે વધારે પડતો લાગે છે. હાલની પરિસ્થિતિ જોતાં ભારતીય અર્થવ્યવસ્થાનો સંદર્ભિત સમયગાળા દરમિયાન વિકાસ દર ૬ ટકા પ્લસ-માઇનસ ૦.૫ ટકા એટલે કે ૫.૫ થી ૬.૫ ટકાની રેન્જમાં રહે તેવી શક્યતાઓ જણાય છે. ફુગાવો ઘટી રહ્યો છે તે સારી વાત છે.

જો કે, આમાં મધ્યમ વર્ગ માટે મોટો ચિંતાનો વિષય ખાદ્ય પદાર્થોની મોંઘવારી છે. ગરીબ તેમજ મધ્યમ વર્ગ પોતાની કુલ આવકના સરેરાશ ૪૦થી ૬૦ ટકા ‘થાળીનોમિક્સ’એટલે કે પેટનો ખાડો પૂરવા વાપરે છે ત્યારે રિઝર્વ બૅન્ક માત્ર જથ્થાબંધ ફુગાવાના દરો ઉપર આધારિત રહીને તારણો આપે છે, તેની સાથોસાથ ખાદ્ય પદાર્થો તેમજ મેડિકલ સારવારનો એક કંપોઝીટ ઇન્ડેક્ષ બનાવી એના આંકડા પણ રાખવા જોઈએ, જેથી સ૨વાળે આ દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર કેટલો બોજો પડશે તેનો ખ્યાલ આવે.
ખ્યાતનામ અર્થશાસ્ત્રી કેઇન્સના મત અનુસાર મંદીજનક પરિસ્થિતિને બચાવવી હોય તો તમારે ઘણા બધા લોકોના હાથમાં ઘણા વધારે પૈસા મૂકવા પડે.

હાલના સંજોગોમાં ભારત સરકાર પાસે આ પ્રકારની સ્વતંત્રતા છે એવું દેખાતું નથી. સમાપનમાં એવું કહી શકાય કે આગામી મોનિટરી પૉલિસી કમિટીની મિટિંગ મળશે ત્યારે વ્યાજદરમાં શક્યતઃ ૨૦થી ૨૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરી શકાશે કે કેમ તેનો આધાર ક્રૂડ ઑઇલ અને અમેરિકન ટેરિફ ભારતીય અર્થવ્યવસ્થાને કેટલો મોટો ફટકો મારે છે તેની પર આધાર રહેશે. જો મંદીજનક પરિબળો હાવી થઈ જાય તો રેપોરેટ વધી પણ શકે એવી શક્યતાઓ સાવ નકારી કઢાય તેમ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top