SURAT

પાર-તાપી-પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે: ઋષિકેશ પટેલ

ગાંધીનગર: પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ મામલે કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાજય સરકાર સામે બાયો ચડાવવામાં આવી રહી છે ત્યારે રાજય સરકારે આજે કેબિનેટ બેઠક બાદ એવી સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેકટ સ્થગિત કરી દેવાયો છે, તેની જાણ પણ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કરેલી જ છે. પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલા નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડીખમ છે.

કેબીનેટ બેઠક બાદ કેબીનેટ પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ વર્ષ 1980માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2011માં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન કેન્દ્ર સરકારના વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં આ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ DPR સંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ-2022 માં ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજદિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઇને કોઇપણ મુવમેન્ટ કરાઇ નથી.

તાજેતરમાં રાજ્ય સભામાં 10 ફેબ્રુઆરી 2025 અને 27 જુલાઈ 2025ના રોજ પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં આ પ્રોજેક્ટ સંદર્ભેના DPRનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોઇપણ પ્રોજેક્ટનો DPR ક્યારેય વૈધાનિક સંસ્થા એટલે કે લોકસભા, રાજ્યસભા કે વિધાનસભામાં રજૂ કરાતો નથી, તે હંમેશા સંબંધિત મંત્રાલયમાં જ રજૂ કરાય છે. રાજ્યસભામાં જે DPRનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ વર્ષ-2017નો જ છે અને વર્ષ 2017 પછી કોઇપણ નવો DPR જાહેર કરાયો નથી.

પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ: સરકારની સત્તાવાર જાહેરાત

વલસાડ, સાપુતારા: કોંગ્રેસ દ્વારા 14મી ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધમાં રેલી કાઢવાનો કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં વલસાડના ધરમપુરમાં તેમના દ્વારા મોટી જનમેદની એકત્ર કરવાની જાહેરાત પણ કરાઇ છે. ત્યારે આ રેલી અગાઉ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે બુધવારે ફરી એકવાર પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતો પરિપત્ર જાહેર કરી કોંગ્રેસની રેલીમાં જનમેદની અટકાવવાનો પ્રયાસ કર્યો છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અને વિપક્ષ આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી સમાજ સહિત સમગ્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયનો પત્ર જાહેર કરતાની સાથે જ તેમના કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. સાથે ડાંગ સહિતના વિસ્તારમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું.

ગેરમાર્ગે દોરી જનારા લોકોથી સાવચેત રહેજો: ભાજપ આગેવાન ગણેશ બિરારી

ધરમપુર: ધરમપુરના સરકીટ હાઉસ ખાતે જિલ્લા પંચાયતના સભ્ય કાકડ ગાવિત, બોપી ગ્રામ પંચાયતના બાલુ જાદવ સહિત આજુબાજુ ગામના આગેવાનોએ પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના થકી ડેમ બનવાનો નથી એમ કહી લોકોને ગેરમાર્ગે દોરી જનારા લોકોથી સાવચેત રહેવા આહવાન કર્યું હતું. તેમજ કેન્દ્ર મંત્રી સી.આર.પાટીલ તથા સાંસદ ધવલ પટેલ ઉપર વિશ્વાસ મૂક્યો હતો. બાદ સરકીટ હાઉસ ખાતે ભાજપના આગેવાન સામાજિક કાર્યકર્તા ગણેશ બિરારીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે. હાલ કોઈ ડેમ બનવાનો નથી.

Most Popular

To Top