સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 15 કરોડના ખર્ચે DVOR (ડોપ્લર વેરી હાઈ ફ્રીક્વન્સી ઓમ્ની-ડાયરેક્શનલ રેન્જ) ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરી એને વર્કિંગ કન્ડિશનમાં લાવવા DGCA ની મંજૂરી માંગવામાં આવી છે.સુરત એરપોર્ટ પર નવો DVOR (ડોપ્લર વેરી હાઈ ફ્રીક્વન્સી ઓમ્ની-ડાયરેક્શનલ રેન્જ) ઇન્સ્ટોલ કરી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ એક કાંકરે અનેક પક્ષી માર્યા છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્યરત DVORની એક્સપાયરી 12 વર્ષની હતી. એને બદલે 18 વર્ષથી એક જ સ્થાને કાર્યરત હતું. સમય જતા નવો DVOR આધુનિક ટેક્નોલોજી સાથેનો ઇન્સ્ટોલ કરવાની જરૂર હતી એટલે એરપોર્ટ ઓથોરિટી જૂનો DVOR પર ઓપરેશન ચાલુ રાખી નવો DVOR સ્થાન બદલી ઇન્સ્ટોલ કર્યો છે. એરપોર્ટ પર ડોપ્લર વેરી હાઈ ફ્રીક્વન્સી ઓમ્ની-ડાયરેક્શનલ રેન્જની દિશા બદલવાથી નડતરરૂપ બાંધકામોની સંખ્યા ઘટી જશે. એટલુંજ નહીં એરપોર્ટથી 10 કિલોમીટર દૂર ફનલમાં આવતા વિસ્તારોમાં બિલ્ડરોના પ્રોજેક્ટને વધુ ઊંચાઈ મળશે.
સુરત એરપોર્ટ ડિરેક્ટર આનંદકુમાર શર્માએ જણાવ્યું હતું કે, હાલ દેશના 22 એરપોર્ટ ખાતે ડીવીઓઆર સિસ્ટમ ઈન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે. સુરતમાં એ કામગીરી બુલેટ ગતિથી પૂર્ણ કરવામાં આવી છે. નવું ડીવીઓઆર સાઉથ કોરિયાની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. એ થકી સુરત એરપોર્ટ ખાતે એરક્રાફ્ટ નેવિગેશન સિસ્ટમ અપગ્રેડ થવા જઈ રહી છે. આ સિસ્ટમ સીએનએસ (કોમ્યૂનિકેશન નેવિગેશન સર્વેલન્સ)નો એક ભાગ છે. ડીવીઓઆરના ઈન્સ્ટોલેશનની કામગીરી પુર્ણ થઈ છે. બાદ સ્પેશિયલ એરક્રાફ્ટથી ઈન્સ્પેક્શન કરવામાં આવશે. એ પછી DGCA ની મંજૂરી મળ્યા પછી કમિશનિંગની પ્રક્રિયા શરૂ કરાશે.
DVOR આ રીતે એરપોર્ટ પર કામ કરે છે
એરપોર્ટ પર DVOR નો ઉપયોગ DVOR (ડોપ્લર વેરી હાઈ ફ્રીક્વન્સી ઓમ્ની-ડાયરેક્શનલ રેન્જ) એ એક પ્રમાણભૂત રેડિયો નેવિગેશન સિસ્ટમ છે જે એરક્રાફ્ટને તેમની સ્થિતિ અને દિશા નક્કી કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ નીચેના હેતુઓ માટે થાય છે.
નેવિગેશન એઇડ: DVOR એરક્રાફ્ટને સ્થિતિ અને દિશા (બેરિંગ) માહિતી પૂરી પાડે છે, જેનાથી તેઓ રૂટ, ટર્મિનલ અને ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચ/ડિપાર્ચર પ્રક્રિયાઓમાં એર ટ્રાફિક નિયંત્રણનું સચોટ પાલન કરી શકે છે. તે 108-118 MHz VHF ફ્રીક્વન્સી રેન્જમાં કાર્ય કરે છે અને 300 કિમી સુધીની રેન્જમાં સિગ્નલ ટ્રાન્સમિટ કરી શકે છે.
ખરાબ હવામાનમાં સહાય: DVOR, ખાસ કરીને જ્યારે DME (ડિસ્ટન્સ મેઝરિંગ ઇક્વિપમેન્ટ) સાથે કામ કરે છે, ત્યારે ખરાબ હવામાનમાં પણ, સુરક્ષિત લેન્ડિંગ અને ટેકઓફ માટે એરક્રાફ્ટને ચોક્કસ અંતર અને કોણ માહિતી આપે છે.
સલામતી અને ચોકસાઈ: DVOR ડોપ્લર ઇફેક્ટનો ઉપયોગ કરીને, ખાસ કરીને જટિલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં, પરંપરાગત VOR કરતાં વધુ સચોટ અને વિશ્વસનીય સિગ્નલ પ્રદાન કરે છે. એરપોર્ટ કામગીરી: તે એર ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો કરે છે અને ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઇટ નિયમો (IFR) કામગીરી માટે સલામતી વધારે છે.
નવું DVOR ભલે લગાડ્યું, પરંતુ તેનાથી એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપવામાં કરેલી ગરબડમાં સજા જરૂર થવી જોઈએ
સુરત એરપોર્ટ પર ભલે નવું DVOR લગાડવામાં આવ્યું, નવું DVOR લગાડીને સુરત એરપોર્ટને આધુનિક બનાવવું જ જોઈએ. બની શકે કે નવું DVOR લગાડ્યા બાદ કેટલાક બાંધકામો નડતરરૂપની યાદીમાંથી નીકળી પણ જાય પરંતુ જે રીતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ભૂતકાળમાં એનઓસી આપવામાં કરાયેલી ગરબડ અને બિલ્ડરો દ્વારા તાણી દેવાયેલી ઈમારતોનું પ્રકરણ બંધ થવું જોઈએ નહીં. કારણ કે આ આખું પ્રકરણ ભ્રષ્ટાચારને કારણે ઊભું થયું હતું. નવું સાધન ઈન્સ્ટોલ કરીને જવાબદારીમાંથી છટકી જવાની એરપોર્ટ ઓથોરિટીની પેરવીને સરકારે ચલાવી લેવી જોઈએ નહીં.