National

સોનિયા ગાંધી ભારતના નાગરિક બન્યાં તે પહેલાં જ તેમનું નામ મતદાર યાદીમાં હતું: ભાજપનો દાવો

નવી દિલ્હી, તા. 13: કોંગ્રેસના વોટ ચોરીના આરોપો પર વળતો પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ 45 વર્ષ પહેલાં, ભારતીય નાગરિકતા પ્રાપ્ત કર્યા પહેલાં, ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું, જો કે તે થોડા સમય માટે જ હતું.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો કે 1980થી 1982 દરમિયાન તેમના ભારતીય નાગરિકત્વ મેળવ્યાના એક વર્ષ પહેલાં તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. આ પહેલાં ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ એક્સ પર પોસ્ટ કર્યું હતું, ‘ભારતની મતદાર યાદી સાથે સોનિયા ગાંધીનો સંબંધ ચૂંટણી કાયદાના સ્પષ્ટ ઉલ્લંઘનોથી ભરેલો છે. આ કદાચ રાહુલ ગાંધીના અયોગ્ય અને ગેરકાયદેસર મતદારોને નિયમિત કરવાની તેમની હિમાયત અને એસઆઈઆર સામેના તેમના વિરોધને સમજાવે છે.’

માલવિયાએ 1980ની મતદાર યાદીમાંથી ઉતારાની ફોટોકોપી પોસ્ટ કરી હતી, જે દર્શાવે છે કે સોનિયા ગાંધી જ્યારે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી ન હતી ત્યારે પણ મતદાર હતા. ‘આ સ્પષ્ટ ચૂંટણી ગેરરીતિ નથી, તો શું છે?’ તેમણે દાવો કર્યો હતો કે સોનિયા ગાંધી જેમણે 1968માં રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા હતા તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું જ્યારે ગાંધી પરિવાર તે સમયનાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાને રહેતો હતો. તેમણે દાવો કર્યો હતો કે 1980ની લોકસભા ચૂંટણી પહેલાં નવી દિલ્હી સંસદીય મતવિસ્તાર માટે મતદાર યાદીના સુધારામાં સોનિયા ગાંધીનું નામ ઉમેરવામાં આવ્યું હતું.

માલવિયાએ એવો પણ દાવો કર્યો હતો કે વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ તેમનું નામ હટાવી દેવાયું હતું. જો કે 1983માં ભારતીય નાગરિકતા મેળવ્યા પછી તેમનું નામ ફરીથી સામેલ કરવું પણ છેતરપિંડીભર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે કટ-ઓફ તારીખ 1 જાન્યુઆરી હતી, પણ સોનિયા ગાંધી એપ્રિલમાં નાગરિક બન્યાં હતાં. આ આરોપોના જવાબમાં, કોંગ્રેસના તારિક અનવરે કહ્યું હતું કે સોનિયા ગાંધીએ તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવા માટે કહ્યું ન હતું, અને તે સમયના ચૂંટણી પંચના અધિકારીઓએ આવું કર્યું હતું. એટલે આ માટે ચૂંટણી પંચ જવાબદાર છે.

ભાજપે રાહુલ, પ્રિયંકા સહિત અન્ય વિરોધ પક્ષના નેતાઓની બેઠકો પર મતદાર યાદીમાં ગેરરિતીઓનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી. ભાજપે બુધવારે રાય બરેલી, વાયનાડ, ડાયમંડ હાર્બર અને કન્નોજ સંસદીય બેઠકો પર મતદાર નોંધણીમાં ગેરરિતીઓનો દાવો કર્યો હતો અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, અભિષેક બેનર્જી અને અખિલેશ યાદવને લોકસભા સાંસદ તરીકે રાજીનામું આપવા કહ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે તેમણે ‘વોટ ચોરી’ કરીને આ વિજય મેળવ્યો છે. ભાજપના અનુરાગ ઠાકુરે ભાજપ મુખ્યાલયમાં વિરોધ પક્ષો દ્વારા જીતેલી આ બેઠકોની મતદાર યાદીનું વિશ્લેષણ કરતા સ્લાઈડશો પ્રેઝેન્ટેશન આપતા વિપક્ષના અન્ય નેતાઓ પર પણ ચૂંટણીમાં ગેરરિતીઓ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઠાકુરે વિરોધ પક્ષ પર એસઆઈઆરનો વિરોધ કરવા બદલ પ્રહારો કરતા કહ્યું હતું તેઓ ગેરકાયદે બાંગ્લાદેશી ઘુસણખોરો અને અન્ય ઘુસણખોરોના વોટ બેંકની રક્ષા કરવા માગે છે.

Most Popular

To Top