1લી માર્ચથી રાજયમાં 60વર્ષથી ઉપરના ગુજરાતના (GUJARAT) 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ આપવામાં આવનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ( VIJAY RUPANI) એ કહયું હતું કે હવે જ્યારે કોરોના સામે રસીકરણ ( CORONA VACCINATION) અભિયાન પણ દેશભરમાં શરુ થયું છે ત્યારે ગુજરાતના વરિષ્ઠ નાગરિકોને પણ રસી આપવામા આવનાર છે. રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે..
આ હેતુસર તાલીમ બદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ. રૂપાણીએ 60 વર્ષથી વધુની વય ના હરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોના થી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય સારવાર સુવિધાઓ ધન્વન્તરિ રથ, 104 હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિતના અનેક પરિણામકારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે
હવે વરિષ્ઠ વડીલો અવશ્ય પણે રસીના ડોઝ લઈને “હારશે કોરોના જીતશે ગુજરાત”ના મંત્ર ને સાકાર કરી કોરોના સામેની લડાઈના આ અંતિમ તબક્કામાં વિજય મેળવે તે જરૂરી છે. મુખ્યમંત્રીએ હાર્દ ભરી અપિલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસ ના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે .