*ખેડૂત પ્રશ્નો નિવારણ કેન્દ્રમાં આવેલી ફરિયાદ બાદ અનંત પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરતા હેન્ડપંપ મુદ્દે તંત્ર જાગ્યું
કપડવંજ: કપડવંજ તાલુકાના અનેક ગામોમાં લાગેલા હેન્ડપંપો લાંબા સમયથી બંધ હાલતમાં હોવાની ફરિયાદ “ખેડૂત પ્રશ્નો નિવારણ કેન્દ્ર” કાર્યક્રમ દરમિયાન પ્રગટ થતાં, APMC કપડવંજ ના સૌથી વધુ મતે ચૂંટાયેલા સભ્ય અને ખેડૂત આગેવાન અનંત પટેલે આ મુદ્દો સીધો મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યો હતો
અનંત પટેલે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે કપડવંજ તાલુકાના ગામોના અંદાજે 2000 જેટલા હેન્ડપંપો “ગુજરાત જળ પુરવઠા અને નિકાસ બોર્ડ” (GWSSB) દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટથી સ્થાપિત થયા છે, પરંતુ હાલ અનેક હેન્ડપંપો બંધ હાલતમાં છે અને પાણી પૂરવઠો સંપૂર્ણ બંધ છે. આ પરિસ્થિતિ ખાસ કરીને ગ્રામ્ય ગરીબ અને વંચિત વર્ગ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
મુખ્યમંત્રી કચેરીએ આ રજૂઆતને ગંભીરતાથી લઈ ખેડા જિલ્લા પંચાયતના પાણી પુરવઠા વિભાગને તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. જિલ્લા પંચાયત દ્વારા મામલો કપડવંજ તાલુકા વિકાસ અધિકારી તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર (કપડવંજ ઝોન)ને ફોરવર્ડ કરવામાં આવ્યો છે.
અનંત પટેલે માગ કરી છે કે કપડવંજ તાલુકાના તમામ ગામોના હેન્ડપંપોની હાલતની તટસ્થ તપાસ કરવામાં આવે, અને કેટલા હેન્ડપંપ ચાલુ છે અને કેટલા બંધ હેન્ડપંપો છે તેની વિગત જાહેર કરવામાં આવે, અને જેટલા પણ હેન્ડપંપો બંધ હોય તે તમામ ને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, અને તમામ હેન્ડપંપ ચાલુ કરી કામગીરીનો અહેવાલ લેખિતમાં જાહેર કરવામાં આવે.
ગ્રામજનોમાં આશા વ્યક્ત થઈ રહી છે કે તંત્ર ઝડપથી પગલાં લઈને પાણી જેવી પ્રાથમિક સુવિધા ગામડાઓ સુધી સુલભ બનાવશે.