
મહુવાસ ગામ એ નવસારી જિલ્લાના પાંચ તાલુકા પૈકી વાંસદા તાલુકાના ડુંગરો અને ચારે તરફ ફેલાયેલાં હરિયાળા જંગલોની વચ્ચે તથા વાંસદા-સાપુતારા સ્ટેટ હાઈવે પર વસેલું ગામ છે. મહુવાસ ગામ એ ૩૦૦૦થી વધુ અને આદિવાસી વસતી ધરાવે છે. આ ગામમાં ૭૦% સાક્ષરતા જોવા મળે છે. મહુવાસ ગામમાં સુવિધાઓની વાત કરીએ તો પ્રાથમિક શાળા, સરકારી દવાખાનું, દૂધની ડેરી, પંચાયતઘર, સસ્તા અનાજની દુકાન જેવી સગવડો ઉપલબ્ધ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ વિવિધ પ્રકારનાં શાકભાજી છે. ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરતા હોવાથી અહીંના લોકો કુકણા બોલી, ગામીત અને ધોડિયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે. મહુવાસ ગામ એ હાઈવેને અડીને આવેલું ગામ હોવાથી ઝડપથી વિકસિત થઈ રહ્યું છે, જેમાં હાઈવે પર મુખ્ય ચાર રસ્તા પાસે આવેલી વિવિધ દુકાનોમાં મોટા ભાગની જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે છે.
મહેશ ગામીત ગ્રામજનોની સેવા માટે હંમેશાં તત્પર

મહુવાસ ગામના મહેશભાઇ કસ્તુરભાઈ ગામીત ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે ઊભરી આવ્યા છે. મહુવાસ ગામના ઉપલા ફળિયા ખાતે રહેતા મહેશભાઈ ગામીતે એક શિક્ષિત અને ગામના વિકાસ તથા ગ્રામજનોની સુવિધા માટે હંમેશાં તત્પર રહેતા હોય છે. મહેશ ગામીત રાજકારણમાં જંપ લાવ્યા બાદ ભાજપ-ગુજરાત પ્રદેશ આદિજાતી મોરચા ઉપાધ્યક્ષ, તાપી જિલ્લા આદિજાતી મોરચાના પ્રભારી રહી ચૂક્યા છે. તેમજ દેશનાં વિવિધ રાજ્યોમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે પણ ફરજ બજાવી છે, જેમાં મહારાષ્ટ્ર ડિંડોરી વિધાનસભા, કર્ણાટક બદામી વિધાનસભા અને મધ્યપ્રદેશ જાંબુવા વિધાનસભાનો સમાવેશ થાય છે. ઉપરાંત મહેશ ગામીત ૨૦૧૪/૨૦૧૯ અને ૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં વાંસદા તાલુકામાં મુખ્ય ચૂંટણી પ્રચારક રહ્યા હતા. ૨૦૧૭ અને ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં કન્વીનર તરીકે જવાબદારી સંભાળી, ૨૦૨૦માં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટણી નિરીક્ષક, ૨૦૧૬થી ૨૦૨૦ સુધી નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ નવસારી અને ખેરગામ તાલુકાના સંગઠન પ્રભારી, ૨૦૧૦થી ૨૦૧૫ સુધી નવસારી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહ્યા હતા. મહેશ ગામીતે માત્ર ૨૩ વર્ષની ઉમરમાં સૌપ્રથમવાર ૨૦૦૩થી ૨૦૦૭ સુધી મહુવાસ ગ્રામ પંચાયતના ડે.સરપંચ રહ્યા બાદ ૨૦૦૭થી ૨૦૧૦ સુધી મહુવાસ ગ્રામ પંચાયતના બિન હરીફ સરપંચ તરીકે ખુરશી સંભાળી હતી. હાલ ૨૦૨૫માં મહુવાસ ગામમાં ખાલી પડેલી સરપંચની જગ્યા માટે યોજાયેલી ચૂંટણીમાં ગ્રામજનોની રજૂઆતના પગલે ઉમેદવારી નોંધાવતાં ૧૫ વર્ષ પછી ફરી ગ્રામજનોએ મહેશ ગામીત પર વિશ્વાસ મૂકી તેમને મત આપતાં ભારે લીડથી તેમનો વિજય થતાં મહુવાસ ગ્રામ પંચાયતની ખુરશી સંભાળી રહ્યા છે.
મહુવાસ ખાતે આવેલી ઇરાવરદા નર્સરી
મહુવાસ ગામે હાઇવેને અડીને ઈરાવરદા નર્સરી આવેલી છે, જ્યાં દરેક પ્રકારનાં ફળ, ફૂલ, છોડ અને બોન્સાઈ પ્લાન્ટ, ઇન ડોર-આઉટ ડોર પ્લાન્ટ મળી રહે છે. તેમજ અહીં મરચી, રીંગણ, ટામેટાં, પરવળ, ગીલોડા જેવા અનેક છોડ અને બિયારણો આ વિસ્તારના ખેડૂતોને ઘરઆંગણે જ મળી રહેતાં ખેડૂતોએ દૂર સુધી જવાની જરૂર રહેતી નથી. ઇરાવરદા નર્સરી વાંસદા-વઘઈ સ્ટેટ હાઇવેને બિલકુલ અડીને આવેલી હોવાથી અહીંથી પસાર થતાં અનેક લોકો અને પર્યટકો પણ આ નર્સરીની મુલાકાત લેતા હોય છે.
મહુવાસ ગામનું સ્મશાનગૃહ
મહુવાસ ગામમાં ઝાડી ફળિયા ખાતે ગ્રામ પંચાયતનું સ્મશાનગૃહ આવેલું છે. જ્યાં ગામમાં લોકોનાં અવસાન બાદ અંતિમસંસ્કારની ક્રિયા માટે સગડી મૂકવામાં આવી છે.
ગામમાં લાઈબ્રેરીની જરૂરિયાત
સરકાર દ્વારા આજે ગામેગામ બાળકોનાં ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી અનેક લાઇબ્રેરીઓ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે મહુવાસ ગામમાં પણ એક લાઇબ્રેરીની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે, જેમાં ગામની નવી પેઢી ભણીગણીને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે. પરંતુ મહુવાસ ગામમાં લાઈબ્રેરીનો અભાવ જોવા મળતા વિદ્યાર્થીઓએ બીજા ગામમાં કે વાંસદા સુધી લાઈબ્રેરીમાં જઈ પરીક્ષાની તૈયારી કરવા જવાની ફરજ પડે છે. ગામમાં જો તંત્ર દ્વારા લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો પરીક્ષાલક્ષી તૈયારી કરતા ઘણા વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ વાંચવા માટે ઘણી સરળતા રહે તેમ છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-મહુવાસ

મહુવાસ ગામમાં વાંસદાથી વઘઈ જતા સ્ટેટ હાઈવે પર આશરે ત્રણ હજાર જેટલા લોકો માટે એક સુવિધાયુક્ત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. જેમાં મહુવાસ ગામમાં રહેતા લોકોને નાની-મોટી બીમારીના સમયે ખૂબ જ સારી સારવાર મળી રહે છે, તેમજ ગામની સગર્ભા બહેનોને પણ અહીં તપાસ કરી ડિલિવરીની પણ સુવિધા મળી રહે છે. જ્યારે દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાતાં વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે. મહુવાસથી વાંસદા ગામ માત્ર ૬ કિ.મી. જેટલું અંતર હોય અને માર્ગ પણ સ્ટેટ હાઈવે હોવાથી ખૂબ જ સરળતાથી લોકો ૧૨થી ૧૫ મિનિટ જેટલા સમયમાં જ વાંસદા હોસ્પિટલ સુધી પહોંચી જાય છે. તેમજ મહુવાસ આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરિયાત જણાતાં દર્દીને એડમિટ કરવાની પણ સુવિધા ઉપલબ્ધ થતાં હવે ગરીબ પરિવારના લોકોને ગામમાં જ વધુ સારી સારવાર મળી રહે છે. તથા મહુવાસ ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે મહુવાસ ઉપરાંત આંબાપાણી, નવતાડ, કપડવંજ અને કેવડી ગામના લોકોને પણ સારવાર મળી રહે છે.
હાઇવે પરનું બસ સ્ટેન્ડ જોખમી

વાંસદા તાલુકાના મહુવાસ ગામે મુખ્ય ચાર રસ્તા પાસે વાંસદા-વઘઈ હાઇવે પરનું એકમાત્ર બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. બસ સ્ટેન્ડમાં પતરાની છત નીચે એક લાકડાનો ટેકો મારી કામ ચલાવી રહ્યા છે, જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે બસ સ્ટેન્ડમાં બેસી બસની રાહ જોવા મજબૂર બન્યા છે. ત્યારે હાલ ચોમાસામાં આવા જર્જરિત બસ સ્ટેશન મુસાફરો માટે વધુ જોખમી બની રહે છે. માત્ર લાકડાના ટેકાના સહારે ચાલતા બસ સ્ટેન્ડમાં દુર્ઘટના બની અને જાનહાનિ થવાની પણ સંભાવના રહી છે. તંત્ર દ્વારા આ જર્જરિત બસ સ્ટેન્ડનું વહેલી તકે રિપેરિંગ થાય એ ખૂબ જ જરૂરી બની રહ્યું છે. તેમજ મહુવાસ ગામના ઝાડી ફળિયાના વાંસદાથી સાપુતારા જતા હાઇવે પરનું બસ સ્ટેન્ડ પણ જર્જરિત જોવા મળી રહ્યું છે. આ બસ સ્ટેન્ડનો તો એક પીલર તૂટીને સળિયા દેખાવા લાગ્યો છે. છતાં તંત્ર જાગતું નથી.