Charchapatra

ગૂગલ મેપ્સ અને તેની વિશ્વસનીયતા

 ‘ગુજરાતમિત્ર’માં આવેલ એક સમાચાર મુજબ નવી મુંબઈના બેલાપુરમાં ગુગલ મેપ્સે ખોટો રસ્તો બતાવતાં એક ઓડી મહિલા કારચાલક કાર સાથે ખાડીમાં ખાબકી હતી. ગુગલ મેપ્સે મહિલાને પુલની નીચેનો રસ્તો બતાવ્યો. જેથી મહિલાએ ઉપર જવાને બદલે પુલની નીચેથી કાર હંકારી. જેથી તેની કાર ધ્રુવતારા જેટી પરથી સીધી ખાડીમાં ખાબકી. અગાઉ પણ ગુગલ મેપ્સને કારણે કેટલાક અકસ્માત થયા છે, જેમાં ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં એક કારચાલક ગુગલ મેપ્સે બતાવેલા રૂટ પર જતાં, તે બ્રીજ તૂટેલો, અધૂરી અવસ્થામાં હોઈ તેના પર કાર લટકી ગઈ હતી.

તો વળી, દક્ષિણ ભારતના કોઈ સ્થળે ફરવા નીકળેલા ગોવાના એક પરિવારની કાર ગુગલ મેપ્સની ખોટી માહિતીને કારણે ખોટા, રસ્તે જતાં જંગલમાં પહોંચી ગયાં હતાં. રાતનો સમય અને જંગલના વિસ્તારમાં નેટ ન મળતાં આખી રાત પાંચ જણાનો પરિવાર કારમાં જ ભયાવહ સ્થિતિમાં બેસી રહ્યાં. સવાર થતાં જ કારચાલક ચાલીને બહાર ગયા અને પોલીસને ફોન કરી મદદ માંગી. તો પોલીસે આવીને તેમને જંગલમાંથી સહી સલામત બહાર કાઢ્યાં. આવા કિસ્સાઓથી સવાલ થાય કે આજકાલ લોકો ગુગલ મેપ્સને જ માર્ગદર્શક બનાવી ક્યાંય પણ નીકળી પડે છે. તો તે કેટલું સુરક્ષિત?
સુરત – કલ્પના વિનોદ બામણિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top