ગાંધીનગર ખાતે થયેલા દેશના સૌથી મોટા ડિજીટલ એરેસ્ટની ઘટના વાંચી પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે વારંવાર અખબારી આલમ દ્વારા ચેતવણી આપવામાં આવે છે. સાયબર ક્રાઇમ વિરોધી તંત્રે તુરત ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે.
જેની માહિતી જાહેરખબર અને મોબાઇલ દ્વારા વારંવાર આપવામાં આવે છે. તો શિક્ષિત વ્યક્તિ શા માટે ડરી જતી હશે અને આપણે શિક્ષિત સ્વયં ચોખ્ખા હોઇએ, કોઇ ફ્રોડ કર્યો જ ન હોય તો ગભરાવું શા માટે?
હિંમતથી સામનો ન કરીએ? બેન એકલવાયું જીવન જીવે છે. પણ અખબાર તો વાંચતાં હશે ને? માર્ચ મહિનાથી આ ફ્રોડની શરૂઆત થઇ હતી તો અન્ય જાણકાર વ્યક્તિની સમક્ષ આ સમસ્યાની રજૂઆત તો થઇ શકે ને.
રોજ વિડિયો કોલ દ્વારા હાજરી પણ પુરાવતા અને મહિલા ડોક્ટર બેન અન્ય કુટુંબીજનોના સંપર્કમાં પણ રહેતાં હતાં તો ત્યાં પણ વાત થઇ શકે ને. 19 કરોડ પડાવી લે એ તો હદ થઇ ગઇ શકે ને. રેલો સુરત સુધી પણ પહોંચ્યો. ધનિક વ્યક્તિને જ ફસાવવામાં આવે છે. જેથી માતબર રકમ પડાવી શકાય. આ કિસ્સા પરથી બોધપાઠ લઇ શકાય કે બિલકુલ ગભરાવું નહીં. બેંકની કોઇ માહિતી ફોન પર અજાણી વ્યક્તિને આપવી નહીં. 1930 નંબર પર સંપર્ક કરી સમગ્ર ઘટના વર્ણવી દેવી. વિડિયો કોલ અજાણ્યા હોય તો રીસીવ કરવા નહીં.
રાંદેર રોડ, સુરત- નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કેફી દ્રવ્યોની સમીક્ષા કરો
ગુજરાતમાં કેફીદ્રવ્યોનું દૂષણ વધી રહ્યું છે. દારૂબંધીના કારણે હવે કેફીદ્રવ્યોનું લોકો સેવન કરી રહ્યા છે. હેરોઈન તેમજ કેમિકલ યુક્ત કેફી દ્રવ્યો ખતરનાક છે. પરંતુ કુદરતી કેફી દ્રવ્યો જેવા કે ગાંજો, ચરસ, કેફી દ્રવ્યોની વ્યાખ્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ નથી. કેટલાય દેશોમાં ગાંજો-અફીણ, ચરસ, દવા તરીકે લેવાય છે. તેની છૂટ છે. ભારતમાં કેમ પ્રતિબંધિત છે તે સમજાતું નથી. સરકારે ગાંજો-અફીણ-ભાંગ ચરસ જેવા કુદરતી દ્રવ્યોને કેફી દ્રવ્યોની યાદીમાંથી બાકાત રાખવા જોઈએ. જેની દાણચોરી વધુ થાય છે. તેમજ ગરીબ આદિવાસીઓ જેલમાં ધકેલાય છે. સરકાર ગંભીરતાથી વિચારે. વિદ્યાનગર, આણંદ – જગદીશ ડી. ઉપાધ્યાય