દેવીની ભેટ
એક નાનકડી કન્યા ઈશાની રોજ દાદી સાથે મંદિરે જાય અને દાદીના કહ્યા પ્રમાણે દરરોજ મંદિર જાય ત્યારે ગાર્ડનમાંથી ફૂલો ચૂંટીને લઇ જાય અને માતાનાં ચરણોમાં ચઢાવે. ક્યારેક સુંદર ગજરો પણ બનાવે. તહેવારોમાં અને ખાસ પ્રસંગે દાદી માતાને સોળ શણગાર અને ચૂંદડી પણ ધરાવે.ઈશાની હંમેશ દાદીની સાથે જ હોય અને રોજ મંદિર જઈને ફૂલ ચઢાવવાનું તો તે ભૂલે જ નહિ. એક દિવસ મંદિરેથી પાછાં આવતાં તેણે દાદીને પૂછ્યું, ‘દાદી, આપણે રોજ દેવી માતાને પુષ્પ અર્પણ કરીએ છીએ, ગજરો બનાવીએ છીએ, કયારેક શણગાર પણ ચૂંદડી પણ ધરાવીએ છીએ. આ બધી ભેટ આપણે દેવીને આપીએ છીએ શું કામ? આમ કરવાથી શું થાય?’
દાદીએ નાનકડી ઇશાનીને કહ્યું, ‘આપણે દેવીને ભેટ ધરાવીએ, એવી રીતે દેવી આપણને ભેટ આપશે.’દાદીની આ વાત સાંભળ્યા પછી રોજ ઈશાની મંદિરે જતાં વિચારે, આજે દેવી કોઈ ભેટ આપશે પણ મંદિરમાં પ્રસાદ મળે, બીજું કશું નહિ. થોડા દિવસ પછી ઈશાનીએ મંદિર જતાં રસ્તામાં દાદીને પૂછ્યું, ‘દાદી, આપણે તો રોજ ભેટ ધરાવીએ છીએ પણ દેવી તો આપણને કોઈ ભેટ આપતાં નથી.આજે તો હું પૂછીશ માતા, મેં તો તને રોજ પુષ્પ આપ્યાં છે, તમે ક્યારે મને ભેટ આપશો?”
ઈશાની મંદિરમાં ગઈ અને રડતાં રડતાં માતાને પૂછવા લાગી કે ,‘મા, મને તમે કોઈ ભેટ કયારે આપશો, શું હું તમને નથી ગમતી એટલે તમે મને કોઈ ભેટ આપતા નથી? ’તેને રડતી જોઇને પુજારીજી ત્યાં આવ્યા. દાદી પાસેથી બધી વાત જાણી અને પછી ઇશાનીને કહ્યું, ‘દીકરા, તને દેવી માતા તરફથી ભેટ નથી મળતી એમ લાગે છે પણ બેટા, દેવી તો બહુ પ્રેમાળ છે. તે બધાને ભેટ આપે છે. આ જીવન દેવી માની જ કૃપા છે. તે રોજ નવો દિવસ આપે છે. તારી અંદર અહીં દર્શન કરવા આવવાની શ્રધ્ધા પ્રગટાવે છે. તું ગજરો બનાવી શકે તે માટે રોજ નવાં ફૂલો ઉગાડે છે.તારી અંદર માતાને ફૂલો અર્પણ કરવાની ભક્તિ જન્માવે છે અને તને દેવી મા ભેટ આપશે તેવો વિશ્વાસ પણ દેવી જ આપે છે. દીકરા સાચી ભેટ બહારની વસ્તુ નહિ પણ તમારી અંદરથી પ્રગટતી શ્રધ્ધા, પ્રેમ, ભક્તિ છે અને આ ભેટ દેવી મા જ બધાને આપે છે.’પૂજારીજીએ ઇશાનીને સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.