કિશોરીની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આરોપીને 3 વર્ષ કેદ અને 10,000નો દંડ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.11
નડિયાદની સ્પેશિયલ પોક્સો અદાલતે એક કિશોરીની એકલતાનો લાભ લઈ તેની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આરોપીને દોષિત ઠેરવીને 3 વર્ષની સખત કેદ અને 10,000નો દંડ ફટકાર્યો છે. આ ગુનો ઠાસરા તાલુકાના એક ગામમાં પાંચ વર્ષ પહેલાં બન્યો હતો, જેની ફરિયાદ ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ઠાસરા તાલુકાના એક ગામમાં 26 એપ્રિલ 2020ના રોજ 32 વર્ષીય રણજીત પરમાર નામના શખ્સે એક કિશોરીની એકલતાનો લાભ લઈ તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ગામની સીમમાં કિશોરીને જોઈને તેની પાછળ જઈને બાથમાં પકડી લીધી હતી. કિશોરીએ બૂમાબૂમ કરતાં તેના પરિવારના લોકો ત્યાં આવી પહોંચ્યા, જેના કારણે આરોપીએ તેને છોડી દીધી હતી. આ ઘટના બાદ કિશોરીના પરિવારજનોએ આરોપીને ઠપકો આપતાં તેણે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી રણજીતની અટક કરી તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ નડિયાદના સ્પેશિયલ પોક્સો જજ પી.પી. પુરોહિતની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુરે ફરિયાદ પક્ષ તરફથી કેસ રજૂ કર્યો હતો. તેમણે આરોપી સામેના ગુનાને સાબિત કરવા માટે કુલ 7 સાક્ષીઓની જુબાની અને 5 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આવા બનાવો સમાજમાં ફરી ન બને તે માટે આરોપીને કડક સજા થવી જોઈએ. તમામ પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી રણજીત પરમારને પોક્સો કેસમાં દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 3 વર્ષની સખત કેદની સજા અને 10,000નો દંડ ફટકાર્યો છે.