National

ભદોહીમાં ડેડબોડી લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તાની સાઈડ પર ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ, બે ટુકડા થઈ ગયા

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં નેશનલ હાઈવે 19 પર ગોપીગંજ કોતવાલી વિસ્તારના ગોપ્પુર નજીક ભયાનક માર્ગ અકસ્માત થયો. દિલ્હથી બિહારના ગયા જિલ્લાના તરફ એક મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં ઉભેલા કન્ટેનર સાથે જોરદાર અથડાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એમ્બ્યુલન્સના ટુકડા થઈ ગયા હતા.

આ અકસ્માતમાં બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં વરુણ(મૃતદેહ)ની પત્ની મમતા અને તેના એક સંબંધીનો સમાવેશ થાય છે. જોકે, ઘાયલોમાં પરિવારના અન્ય સભ્યો, એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને કન્ટેનર ડ્રાઇવર તથા ક્લીનર સામેલ છે. તમામ ઘાયલોને ગોપીગંજ સીએચસીમાં દાખલ કર્યા બાદ જિલ્લા હોસ્પિટલમાં સારવાર અંગે ખસેડવામાં આવ્યા છે.

માહિતી મુજબ, વરુણ દિલ્હીમાં ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તા.8 ઓગસ્ટે એક માર્ગ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને દિલ્હીની હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યારબાદ પરિવારજનો તેના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે વતન બિહાર લઈ જઈ રહ્યા હતા.

ડ્રાઈવરને ઝોકું આવ્યું હતું
અકસ્માતનું કારણ એમ્બ્યુલન્સ ડ્રાઇવરને ઝોકું આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઝોકું આવતાં એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં ઉભેલા કન્ટેનર ટ્રક સાથે જોરદાર ટકરાઈ ગઈ હતી. આ ટક્કરની અસર એટલી ભારે હતી કે વાહન ચકનાચૂર થઈ ગયું અને મુસાફરો ફસાઈ ગયા હતા.

આ દુર્ઘટનાએ મૃતકના પરિવારમાં શોકની લાગણીને વધુ ઘેરો બનાવી દીધી છે. પોલીસે અકસ્માતનો કેસ નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top