આપણાં રાજ્યમાં એવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે વિવિધ ટ્રસ્ટ/મંડળો દ્વારા માત્ર સેવાની ભાવનાથી શરૂ કરવામાં આવી હતી. આજે પણ આવાં અનેક ટ્રસ્ટ કે મંડળ દ્વારા આવી અનેક ગ્રાન્ટેડ શાળાઓ અને કોલેજો કાર્યરત છે. જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ, વાલીઓ માટે આશીર્વાદરૂપ છે. આપણા વિસ્તારની આવી અનેક શાળાઓ અને કોલેજો ચોક્કસ જ આપની આંખ સામે તાદૃશ થશે કે જેમાં મોટાભાગના લોકો જીવનના પાઠો શીખ્યા હશે. જેમ કે ગ્રાન્ટેડ શાળાઓને યાદ કરીએ તો વાલોડની સ.ગો.હાઇસ્કૂલ, બારડોલીની બી.એ.બી.એસ.કે વામદોત હાઇસ્કૂલ, પારડીની ડી.સી.ઓ. હાઇસ્કૂલ, સુરતની લોકમાન્ય, ટી.એન્ડ ટી.વી.કે જીવનભારતી સ્કૂલ, વલસાડની આર.જે.જે. હાઇસ્કૂલ, મહુવાની ભક્ત હાઇસ્કૂલ, ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય, નવસારીની મદ્રેસા કે ડી.ડી.ગર્લ્સ હાઇસ્કૂલ કે પછી પલસાણા, મરોલી, વેસ્મા, કરચેલીયા, હાંસોટ કે ભરૂચ જેવાં વિવિધ વિસ્તારોની આવી અનેક જાણીતી હાઇસ્કૂલો યાદ આવે.
આવી ગ્રાન્ટેડ શાળાઓને સારી રીતે ચલાવવા, સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આર્થિક સહાયની જરૂર પડે એ સ્વાભાવિક છે. આવી ગ્રાન્ટેડ શાળાઓને ખૂબ આર્થિક પ્રશ્નો નડે છે. આવી પરિસ્થિતિમાં હાલમાં જ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ૨.૦ અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય ખૂબ સમયસરનો તથા આવકાર્ય છે. આ નિર્ણય ગ્રાન્ટેડ શાળાઓ માટે સંજીવની સમાન છે.
નવસારી- ઇન્તેખાબ અનસારી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.